Site icon Revoi.in

ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 18,000 જગ્યાઓ ખાલી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર પડી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર  શિક્ષકોની જગ્યા ખાલી હોવાની ચોંકવાનારી માહિતી આરટીઆઈમાં બહાર આવી છે. જેમાં ધો.1થી 5માં 7 હજાર કરતા વધુ અને ધો.6થી 8માં 10 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ઓક્ટોબરના અંત સુધીમાં કુલ 18 હજાર જેટલી બેઠકો ખાલી પડેલી હોવાથી શિક્ષણના સ્તર પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે.  રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અંતર્ગત સામે આવેલી માહિતી મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જેમાં મહત્ત્વના વિષયોમા પણ પૂરતી સંખ્યામાં શિક્ષકો ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આમ, સરકારી શાળાઓમાં શિક્ષકોની પૂરતી સંખ્યા ન હોવાના લીધે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે.

રાઈટ ટુ ઈન્ફર્મેશન કાયદા અંતર્ગત માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ખાલી જગ્યાઓ અંગેની માહિતી આપી છે. જેમાં ધો.1થી 5માં 8055 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું કહ્યું છે.  હાલમાં ધો.1થી 5ના 2188  શિક્ષકો ધો.6થી 8માં ફરજ બજાવી રહ્યા છે. જેથી ધો.1થી 5માં 31 ઓગસ્ટ, 2021ની સ્થિતિએ 5867 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. ઉપરાંત ધો.6થી 8માં 8273 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તેની સામે પ્રાથમિકમાં વધમાં મૂકેલા શિક્ષકો પરત મૂકવામાં આવે તો બીજી 2188 જગ્યા ખાલી પડે તેમ છે. આમ, ધો.6થી 8માં કુલ 10461 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ ઉપરાંત આગામી 31 ઓક્ટોબરના સુધીમાં  ધો.1થી 5માં 1799 અને ધો.6થી 8માં 85 શિક્ષકો નિવૃત્ત થશે. આ શિક્ષકો નિવૃત્ત થયા બાદ ખાલી પડેલી જગ્યામાં વધારો થશે. જેથી ઓક્ટોબરના અંત સુધીમાં ધો.1થી 5માં 7685 અને ધો.6થી 8માં 10546 શિક્ષકોની જગ્યા ખાલી પડશે. જે શિક્ષકોની જગ્યા ખાલી પડી છે, તેમાં મહત્ત્વના વિષયોના શિક્ષકો પણ ન હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જેમાં સામાજિક વિજ્ઞાનમાં 3087 શિક્ષકોની જગ્યા ખાલી છે. જ્યારે ગણિત અને વિજ્ઞાનના 3324 શિક્ષકોની જગ્યા ખાલી છે. ભાષામાં પણ 1862 શિક્ષકોની જગ્યા ભરાયેલી નથી. (File photo)