Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે અલ્પેશને ઠાકોર સમાજ યાદ આવ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા  હાદિર્ક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા સંકેત મળ્યા છે. હાલ તો હાદિર્ક પટેલ કોંગ્રેસના  વર્કિગ પ્રેસિડેન્ટ છે પરંતુ તે પાર્ટીમાં સક્રિય બની શકયા નથી પરંતુ તેની સાથે જ ઉભા થયેલા ઠાકોર અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકરો ફરીથી સક્રિય બની રહ્યાં છે.

બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર હાજર રહ્યાં હતા. આ બેઠક દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે ઠાકોર સમાજની અવગણના થઇ રહી છે. જો ઠાકોર સમાજની અવણના ચાલુ રહેશે તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા પડશે. ગુજરાત વિદાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે,  ત્યારે ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની છે.

જિલ્લા ઠાકોર સેનાની કારોબારીની બેઠક ડિસાના ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુકિત સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચાઓ થઈ હતી. જોકે આડકતરી રીતે ભાજપ કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. સાથે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. જો કે તેનો ઇશારો ભાજપ છોડવાનો પણ હોઇ શકે છે.

બીજી તરફ દલિત અગ્રણી અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ તેના કાર્યક્રમો શરૂ કરી રહ્યા છે. આ યુવા નેતા તેના સમાજના આગેવાનોને એકત્ર કરીને ચૂંટણી પહેલાં કોઇ નવાજૂની કરવાના મૂડમાં છે. ખાસ કરીને ભાજપ સરકારની નીતિ રીતિઓ સામે તે જંગે ચઢે છે, જેથી ભાજપના પ્રદેશ નેતાઓને તે આંખના કણાંની જેમ ખૂંચે છે. ગુજરાતમાં મેવાણી ત્રીજો યુવા મોરચો ખોલે તેવી તૈયારી તેના સાથીદારો કરી રહ્યાં છે. આ વખતે ફરી એક વખત રાયના ત્રણ યુવા નેતાઓ રાજકીય સોગઠાં ગોઠવી રહ્યાં છે