Site icon Revoi.in

કચ્છના માંડવીના બિદડા પાસે પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કેનાલનું કામ ચાલુ કરાયું

Social Share

ભુજ  :  કચ્છમાં નર્મદા નહેરનાં માંડવી તાલુકામાં અટકેલા કામને આગળ ધપાવવા આખરે નર્મદા નિગમે બળપ્રયોગ કરીને પોલીસ બંદોબસ્ત સાથે માટીકામ શરૂ કરાવવાની ફરજ પડી હતી. નર્મદા નિગમે ખેડુતો પાસેતી જમીન સંપાદન કરીને ખડુતોને વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હોવા છતા કેટલાક ખેડુતો કેનાલનું કામ શરૂ થવા દેતા નહતા. એટલે નિગમે પોલીસની મદદ લઈને કામ શરૂ કરી દેતા હવે 17 કિમીનું  કેનાલનું કામ ડિસેમ્બર સુધીમાં પુરૂ કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે  માંડવી તાલુકામાં  બિદડા પાસે નહેરનું અટકેલું કામ શરૂ કરાવવામાં આવ્યું હતું. બિદડા પાસે 2200 મીટરનું કામ લાંબા સમયથી અટકેલું છે. જ્યાંથી કેનાલ પસાર થવાની છે એ બિદડા વિસ્તારના ખેડૂતોને નિગમ તરફથી વળતર પણ આપી દેવામાં આવ્યું હતું અને જમીન નર્મદા નિગમના નામે તબદીલ થઇ ગઇ હોવા છતાં કબજો આપવામાં આવતો નહતો. કિસાનોને વખતો વખત સમજાવવા છતાં સંમતિ નહીં મળતાં આજે કાર્યપાલક ઇજનેર વ્રજ પંડયા, નાયબ કાર્યપાલક ઇજનેર  ચૌધરી સાથેની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નહેરના સ્થળે પહોંચી માટીકામ ચાલુ કરાવ્યું હતું.

એક વખત જમીન સંપાદન થઇ અને નક્કી થયેલી વળતરની રકમ પણ ચૂકવી દેવાઇ પછી કબજો આપવામાં નહીં આવતાં નહેરનું કામ આગળ વધારવામાં વિલંબમાં મૂકાતું હોવાથી જો કામ પૂરું નહીં થાય તો નર્મદાનું પાણી મોડકુબા ક્યારે પહોંચશે એ સવાલ છે એટલે કામ ચાલુ કરવામાં આવ્યું છે. કચ્છ બ્રાન્ચ કેનાલની કુલ 357 કિલોમીટરની લંબાઇમાં હવે માત્ર 17 કિલોમીટરનું કામ તે પણ અલગ-અલગ સ્થળે ટુકડા સ્વરૂપે બાકી રહે છે.મુંદરા તાલુકાના છસરા, શિણાય અને બિદડા એમ આવા સ્થળે 17 કિલોમીટરના નાના-નાના ટુકડાનું કામ પૂરું કરી ડિસેમ્બર સુધીમાં પાણી મોડકુબા પહોંચાડી દેવાની બાંહેધરી પણ  રાવે આપી હતી.  પોલીસ બંદોબસ્ત સાથે નહેરનું કામ શરૂ કરવામાં આવતાં સ્થળ ઉપર થોડીવાર તો તંગદિલી જોવા મળી હતી પરંતુ પાછળથી સમજાવટના પગલે કામ ચાલુ થઇ ગયું હતું.