તેહરાન, 11 એપ્રિલ 2026: ઈરાનમાં ઈન્ટરનેટ સંકટ હવે અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ગ્રુપ ‘નેટબ્લોક્સ’ના તાજેતરના અહેવાલ મુજબ, દેશમાં ઈન્ટરનેટબંધીનો સમયગાળો 1000 કલાકને વટાવી ગયો છે. આ આધુનિક ડિજિટલ ઇતિહાસના સૌથી લાંબા નેટવર્ક બ્લેકઆઉટમાંથી એક માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ઈરાનમાં નેટવર્ક કનેક્ટિવિટી માર્ચની શરૂઆતથી ઘટીને માત્ર 1 ટકા સુધી મર્યાદિત થઈ ગઈ છે. નેટબ્લોક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ગ્રાફ શેર કરીને જણાવ્યું છે કે, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ શટડાઉન 10 એપ્રિલ સુધી સતત જારી રહ્યો છે. આ સ્થિતિને કારણે સામાન્ય જનતાની ડિજિટલ પહોંચ અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, આ ઈન્ટરનેટ બ્લોકેજ પાછળ ભૌગોલિક રાજકીય તણાવ જવાબદાર છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા વિવાદ અને હુમલાઓ બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું મનાય છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલાઓમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના પગલે સરકારે માહિતીના પ્રસારને રોકવા માટે ઈન્ટરનેટ પર કાપ મૂક્યો છે.
ઈરાનના મોટાભાગના યુઝર્સ અત્યારે માત્ર મર્યાદિત સ્થાનિક (ડોમેસ્ટિક) નેટવર્કનો જ ઉપયોગ કરી શકે છે. બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક લગભગ સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઓનલાઈન સેવાઓ, બેંકિંગ, શિક્ષણ અને માહિતીનું આદાન-પ્રદાન બંધ થવાથી સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 40 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેના કોઈ સંકેત મળી રહ્યા નથી.

