હેમંત પરમાર દ્વારા
એક જેવી ઘટનાઓ પર બે અલગ અર્થઘટન. પોતાના માટે લોકતંત્ર જોખમમાં અને બીજાઓ માટે જનતાનો ગુસ્સો. આખરે આ કયું રાજકીય ગણિત?
દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક એવો મુદ્દો ચર્ચામાં છે, જે હવે સામાન્ય લોકો પણ ખુલ્લેઆમ પૂછવા લાગ્યા છે. સવાલ સીધો છે. એક જેવી ઘટના બને, પરંતુ અર્થઘટન અલગ-અલગ કેમ? પોતાના પક્ષ સાથે બને તો લોકતંત્ર પર હુમલો અને વિરોધી પક્ષ સાથે બને તો જનતાનો ગુસ્સો? આખરે આ માપદંડ કોણ નક્કી કરે છે?
આ સવાલ ફરીથી ચર્ચામાં આવ્યો છે અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ. ઘટનાની નિંદા થઈ રહી છે, નિવેદનો આવી રહ્યા છે અને તેને લોકતંત્ર પર સીધો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ રાજકારણમાં યાદશક્તિ બહુ જૂની નથી હોતી, અને હવે લોકો પણ બધું યાદ રાખે છે.
આ પણ વાંચોઃ સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન
એક સમય એવો હતો જ્યારે કંગના રનૌતને CISFની મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં થપ્પડ મારી હતી. તે સમયે પણ દેશભરમાં ચર્ચા થઈ હતી, પરંતુ ઘણા લોકોએ એ ઘટનાને જનતાનો ગુસ્સો કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં જે.પી. નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો. સુવેન્દુ અધિકારીના કાફલાને ઘેરી લેવાયો, કાળા ઝંડા બતાવાયા, જૂતા ફેંકાયા અને ગાડીઓમાં તોડફોડ થઈ. ધર્માપુરી અરવિંદના પ્રવાસ દરમિયાન પણ વિરોધ અને પથ્થરમારાની ઘટના સામે આવી. વી. મુરલીધરનના કાફલા પર હુમલો કરીને વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા.
તે તમામ વખતે એક જ શબ્દ સૌથી વધુ સાંભળવા મળ્યો હતો, જનતાનો ગુસ્સો.
હવે સવાલ એ છે કે જો એ સમયે આ બધું જનતાનો ગુસ્સો હતું, તો આજે એ જ પ્રકારની ઘટનાને લોકતંત્ર પર હુમલો કેમ કહેવામાં આવી રહી છે?
શું ઘટનાનું સ્વરૂપ બદલાઈ ગયું છે?
શું હુમલો, હવે હુમલો ગણાય છે અને પહેલાં માત્ર વિરોધ ગણાતો હતો?
કે પછી રાજકીય અનુકૂળતા પ્રમાણે શબ્દોના અર્થ પણ બદલાઈ જાય છે?
આ પણ વાંચોઃ ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો
રાજકારણમાં હવે શબ્દો માટે પણ અલગ નિયમ છે. પોતાની સાથે બને તો લોકતંત્ર ખતરામાં આવી જાય અને સામે પક્ષ સાથે બને તો તેને લોકોની લાગણી કહીને આગળ વધી જાય.
પણ અહીં મુદ્દો માત્ર એક પક્ષનો નથી. મુદ્દો વિશ્વાસનો છે. લોકતંત્રનો અર્થ અને તેના માપદંડ દરેક માટે એકસરખા હોવા જોઈએ. કારણ કે જનતા બધું જ જોતી હોય છે અને સમય આવે સવાલ પણ પૂછે છે.
રાજકારણમાં નિવેદનો બદલાતા રહે, અર્થઘટન બદલાતું રહે, પરંતુ લોકોની યાદશક્તિ બદલાતી નથી.
આજે સૌથી ધારદાર સવાલ એ જ ગુંજી રહ્યો છે કે ગઈકાલે જે જનતાનો ગુસ્સો કહેવાતો હતો, આજે અચાનક એ જ ઘટના લોકતંત્ર પર હુમલો કેવી રીતે બની ગઈ?
અને હા, એક ઘટના ભારતીય રાજકારણમાં કદી ભૂલાશે નહીં, અને કદાચ ન્યાયતંત્ર પણ એ ઘટના ભૂલશે નહીં. થોડા મહિના પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી SIRની કામગીરી માટે પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા ન્યાયમૂર્તિઓને માલદામાં ઘેરી લેવામાં આવ્યા હતા. કયા ટોળાએ આ ન્યાયમૂર્તિઓને ઘેરી લીધા હતા એ કહેવાની જરૂર ખરી? સૌને યાદ હશે કે, એ સાતેય ન્યાયિક અધિકારીઓનો જીવ માંડ માંડ બચાવવામાં આવ્યો હતો.

