અમદાવાદ, 5 જૂન 2026: પાસપોર્ટ અરજીઓ સુધી નાગરિકોની પહોંચ સરળ બનાવવા અને લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના ઝડપથી નિકાલ માટે પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO), અમદાવાદ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગામી 15 જૂન, 2026 થી અરજદારો માટે એક વિશેષ સાપ્તાહિક ‘વોક-ઈન’ (Walk-in) સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.
દર બુધવારે એપોઇન્ટમેન્ટ વિના પ્રવેશ
આ નવી વ્યવસ્થા હેઠળ જે અરજદારોની પાસપોર્ટ અરજીઓ કોઈ કારણસર બાકી છે, તેઓ પૂર્વ એપોઇન્ટમેન્ટ લીધા વિના પણ પ્રાદેશિક પાસપોર્ટ કચેરીની સીધી મુલાકાત લઈ શકશે. આ સુવિધા દર બુધવારે (જાહેર રજાઓ સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે, જ્યાં અરજદારો પોતાની અરજી અંગે પૂછપરછ કરી શકશે અથવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકશે.
આ પણ વાંચોઃ મોહેં-જો-દડો અને મક્કા બંને પર એકસાથે હક ન કરી શકાય
આરપીઓ (RPO) એ જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં, નાગરિકોની રજૂઆતોનો સમયસર અને યોગ્ય રીતે પ્રશ્નોનો નિકાલ થાય તે માટે આ વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ નાગરિકોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ઓનલાઈન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા પણ રહેશે ચાલુ
કચેરી દ્વારા પૂછપરછ અથવા દસ્તાવેજ સબમિટ કરવા માંગતા અરજદારો માટે તમામ કામકાજના દિવસોમાં 100 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા પણ યથાવત રાખવામાં આવશે. અરજદારો પોતાની સુવિધા અનુસાર ગમે તે તારીખ અને સમય માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકે છે.
હેલ્પલાઇન અને સોશિયલ મીડિયા પર માહિતી મળશે
રૂબરૂ મુલાકાત ઉપરાંત, અરજદારો પોતાના પાસપોર્ટની સ્થિતિ (સ્ટેટસ) જાણવા માટે કચેરીના સત્તાવાર માધ્યમોનો સંપર્ક કરી શકે છે:
હેલ્પલાઇન નંબર: 079-26300603
ઈમેલ આઈડી: rpo.ahmedabad@cpo.gov.in
એક્સ (X) હેન્ડલ: @rpoahmedabad
પાસપોર્ટ કચેરીએ પૂછપરછ અથવા દસ્તાવેજોની ચકાસણી માટે આવતા તમામ અરજદારોને પોતાના ઓરિજિનલ (અસલ) સહાયક દસ્તાવેજો સાથે રાખવાની ખાસ સલાહ આપી છે.

