Site icon Revoi.in

ઈસ્લામ અને મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે પાકિસ્તાનમાં યુવાનોને બનાવાય છે આતંકવાદી

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તૈયબાના પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનમાં ગરીબીનો ફાયદો ઉઠાવીને નાણાની લાલચ અને ઈસ્લામ તથા મુસ્લમાનો ઉપર અત્યાચારના નામે ગરીબ યુવાનોને આતંકવાદી બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો આતંકવાદીની પૂછપરછમાં થયો છે. એટલું જ નહીં પકડાયેલા આતંકવાદી અને તેના ગ્રુપને પાકિસ્તાનની સેનાના જવાનોએ હથિયારોની તાલીમ આપી હતી. આમ કાશ્મીરના નામે દુનિયાના સામે રડતા આતંકવાદીઓના આકા પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય સુરક્ષા જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અન્ય એક આતંકવાદીને ઝડપી લીધો હતો. આ આતંકવાદીની ઓળખ બાબર તરીકે થઈ છે. તેની પાસેથી એકે-47 રાઈફલ, બે ગ્રેનેડ અને એક રેડિયો સેટ મળી આવ્યો હતો. પૂછપરછમાં આતંકવાદીએ કરેલા ખુલાસાથી ફરી એકવાર પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવ્યો છે.

આતંકવાદી અલી બાબરે ખુલાસો કર્યો હતો કે, તેમનું છ આતંકવાદીઓનું ગ્રુપ પાકિસ્તાનના પંજાબનું હતું. ગરીબીના કારણે તેમને ગુમરાહ કરવામાં આવ્યાં હતા. જે બાદ લશ્કર-એ-તૈયબામાં જોડાવવા માટે લાલચ આપવામાં આવી હતી. મા ની સારવાર માટે રૂ. 20 હજાર આતંકવાદીઓએ આપ્યાં હતા. તેમજ રૂ. 30 હજાર આપવાનો વાયદો કર્યો હતો. હથિયારોની તાલીમ આપનારા મોટાભાગના પાકિસ્તાની સેનાના જવાનો હતા. તેમને ઈસ્લામ અને મુસલમાનના નામ ઉપર તેમને આતંકવાદી બનવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા.

ઉરી ઓપરેશન અંગે મેજર જનરલ વીરેન્દ્ર વત્સએ જણાવ્યું હતું કે, એલઓસી પર નવ દિવસ સુધી આતંકવાદીઓ સામે આપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓની ઘુસણખોરીની માહિતી મળતા તા. 18મી સપ્ટેમ્બરથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ પણ થઈ હતી.

બે આતંકવાદીઓને ભારતીય સીમામાં જ્યારે ચાર આતંકવાદીઓ સીમા પાર હતા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન તરફના ચાર આતંકવાદી પરત જતા રહ્યાં હતા. ઘુસણખોરી કરનારા બે આતંકવાદીઓને ઘેરી લઈને સુરક્ષા જવાનોએ મોર્ચો સંભાળી લીધો હતો. તા. 25મી સપ્ટેમ્બરના રોજ અથડામણમાં એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે અલી બાબર નામના આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હતો.

આતંકવાદીએ કબુલ્યું છે કે, લશ્કર-એ-તૈયબાનો આ આતંકવાદી છે અને મુજફ્ફરાબાદમાં તાલીમ લીધી હતી. તેમજ ઈસ્લામ ખતરામાં છે અને મુસલમાનો ઉપર અત્યાચાર થતો હોવાનું જણાવીને યુવાનોને આતંકવાદી બનવા મજબુર કરતા હતા.