અમદાવાદઃ ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું છે. ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ છે. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવી છે. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. હેરોઇન ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ મુદ્દે સક્રીય છે, અને આજે ઐતિહાસિક ડ્રગ્સ પકડીને પાકિસ્તાન અને ઈરાન દ્વારા ચાલતું ષડયંત્રને તોડવામાં મોટી સફળતા મળી છે. આ પ્રશંસનીય કામગીરી બદલ ગીર સોમનાથ પોલીસને રૂ.10 લાખના ઇનામની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. રાજ્યના 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ 59 ગુનાઓમાં જેની સંડોવણી છે તે આરોપી જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ અમરેલી પોલીસને આ સરાહનીય કામગીરી બદલ રૂ.5 લાખના ઇનામની જાહેરાત કરી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 29 જેટલા ગંભીર ગુનાઓમાં આરોપીને આજીવન કેદ અને ફાંસીની સજા થઇ છે. તાજેતરમાં ગાંધીધામમાં બે વર્ષના માસુમ બાળકની અપહરણ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને સમજીને ગાંધીધામ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. માત્ર 48 કલાકમાં ગુના મુદ્દામાલનું પૃથ્થકરણ કરી અભિપ્રાય સર્ટિ આપતા સાત જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હતી. સેશન્સ કોર્ટ ગાંધીધામ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે.