રાંચી, 22 જાન્યુઆરી 2026: ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા ટોચના માઓવાદી નેતા પતિરામ માંઝી ઉર્ફે ‘અનલ દા’ સહિત 15 નક્સલીઓને ઠાર માર્યા છે. ઝારખંડ પોલીસના આઈજી માઈકલ રાજે આ અથડામણની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ વ્યૂહાત્મક રીતે મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશનમાં કુખ્યાત નક્સલી અનલ દા સહિત અનેક સક્રિય માઓવાદીઓ માર્યા ગયા છે, જેનાથી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
મૂળ ગિરિડીહ જિલ્લાનો રહેવાસી પતિરામ માંઝી ઉર્ફે અનલ દા છેલ્લા બે દાયકાથી નક્સલી સંગઠનમાં સક્રિય હતો. તેની ગણના સંગઠનના ટોચના વ્યૂહરચનાકારોમાં થતી હતી. ગિરિડીહ, બોકારો, હજારીબાગ, સરાયકેલા અને પશ્ચિમ સિંહભૂમ જેવા જિલ્લાઓમાં તેનું મજબૂત નેટવર્ક હતું. સુરક્ષાદળો પર હુમલા, આઈઈડી બ્લાસ્ટ સહિતના ગંભીર ગુનાઓમાં તે વોન્ટેડ હતો, જેના કારણે સરકાર દ્વારા તેના પર 1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ચાઇબાસાના છોટાનગરા પોલીસ સ્ટેશન હેઠળના કુંભડીહ ગામ પાસે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષાદળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ સુરક્ષાદળો પર અંધાધુંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં સુરક્ષાદળોએ મોરચો સંભાળીને નક્સલીઓને ઘેરી લીધા હતા. કલાકો સુધી ચાલેલી આ અથડામણ બાદ ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહો, અત્યાધુનિક હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી છે.
કોલ્હન ડિવિઝનના ડીઆઈજી અનુરંજન કિસ્પોટ્ટાએ જણાવ્યું કે હાલમાં પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે અને વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

