Site icon Revoi.in

204 ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ રાહુલ ગાંધી સમક્ષ કરી આ માગણી, જાણો

204 former army and government officials

204 former army and government officials

Social Share

નવી દિલ્હી, 18 માર્ચ, 2026: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ દેશની માફી માગવી જોઈએ તેવી માગણી ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કર્યા બાદ હવે 84 ભૂતપૂર્વ સરકારી અમલદારો, 116 નિવૃત્ત સૈનિકો અને ચાર વકીલોએ સંયુક્તપણે એક ખુલ્લો પત્ર લખ્યો છે. પત્ર દ્વારા સંસદના ‘મકર દ્વાર’ પ્રવેશદ્વાર પર ચા અને બિસ્કિટ ખાવાની ઘટના બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGP એસ.પી. વૈદના નેતૃત્વમાં આ પત્ર ઉપર હસ્તાક્ષર દેશના પ્રતિષ્ઠિત નાગરિકોએ જણાવ્યું હતું કે 12 માર્ચની આ ઘટના “ખૂબ જ ચિંતાજનક” હતી અને તે “સંસદીય પ્રણાલી પ્રત્યે સભાનતાપૂર્વક કરવામાં આવેલી અવગણના” દર્શાવે છે.

સમાચાર સંસ્થા ANI સાથે વાત કરતા એસ.પી. વૈદે કહ્યું કે સંસદમાં રાહુલ ગાંધીનું વર્તન વિપક્ષના નેતાને શોભે તેવું નથી અને તે “અહંકાર અને વિશેષાધિકારની ભાવના” દર્શાવે છે.

નાટ્યાત્મક પ્રવૃત્તિ

તેમણે કહ્યું, “84 ભૂતપૂર્વ અમલદારો, 116 નિવૃત્ત સૈનિકો અને ભૂતપૂર્વ વકીલોએ જનતાને સંબોધીને આ પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે સંસદમાં રાહુલ ગાંધીનું વર્તન વિપક્ષના નેતાને શોભે તેવું નથી, જે એક ખૂબ જ જવાબદાર પદ છે. તેમનું વર્તન અહંકાર દર્શાવે છે. તેઓ નાટ્યાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે; તેઓ સંસદના પગથિયાં પર બેસે છે અને સૂત્રોચ્ચાર વચ્ચે ચા પીવે છે. મને લાગે છે કે રાહુલ ગાંધી LoP (વિપક્ષના નેતા) ના પદનું મહત્ત્વ સમજતા નથી.”

તેમણે રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરી હતી અને તેમને જવાબદાર વિપક્ષી નેતાની ભૂમિકા નિભાવવા વિનંતી કરી હતી.

રાષ્ટ્રની માફી માંગે

વૈદે વધુમાં ઉમેર્યું, “અમે ઈચ્છીએ છીએ કે તેઓ આ વાત સમજે અને અત્યાર સુધી જે કંઈ પણ થયું છે તે બદલ રાષ્ટ્રની માફી માંગે. સ્પીકર ઓમ બિરલાએ તેમને ગૃહની ગરિમા જાળવવા અપીલ કરી હોવા છતાં રાહુલ ગાંધી સમજતા નથી. તેમણે પોતાની જાતને મજાકનું પાત્ર બનાવી દીધું છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ જવાબદાર LoPની ભૂમિકા ભજવે. ત્યાં નમ્રતા હોવી જોઈએ, અહંકાર નહીં. 12 માર્ચે જે થયું તે ખેદજનક હતું. રાહુલ ગાંધીએ પોતાની જવાબદારી સમજવી જોઈએ, કારણ કે જ્યારે તેઓ બોલે છે ત્યારે લોકો સાંભળે છે. રાષ્ટ્રની આકાંક્ષાઓ સંસદમાં થતી ચર્ચા અને તેમાંથી ઉભરતા કાયદાઓ પર ટકેલી હોય છે.”

સંસદ એ કોઈ તમાશો કે રાજકીય નાટકનું સ્થળ નથી

દેશના આ પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે સંસદ એ કોઈ તમાશો કે રાજકીય નાટકનું સ્થળ નથી અને રાહુલ ગાંધીનું આચરણ સ્થાપિત ધોરણો અને શિષ્ટાચાર પ્રત્યેની સ્પષ્ટ અવગણના દર્શાવે છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, “રાહુલ ગાંધી અનેક સાંસદો સાથે સંસદના પગથિયાં પર ચા અને બિસ્કિટ લેતા જોવા મળ્યા હતા, જે રાષ્ટ્રની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થાના સભ્યો માટે તદ્દન અયોગ્ય હતું. સંસદના પગથિયાં એ રાજકીય નાટક માટેનું સ્થળ નથી. સંસદના પરિસરમાં આવું વર્તન સ્થાપિત નિયમો પ્રત્યેનો અનાદર છે. તે અહંકાર અને ભારતની જનતાની લોકશાહી ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે.”

આ પણ વાંચોઃ ઈરાન વિરુદ્ધનું યુદ્ધ હજુ થોડા અઠવાડિયા ચાલી શકે છેઃ ઈઝરાયેલ

પત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે, “વર્તમાન સરકારને પ્રશ્ન કરવાના તેમના પ્રયાસોમાં, રાહુલ ગાંધીના કાર્યો આપણા દેશ અને લોકશાહીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. હકીકત એ છે કે આવું વર્તન એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે જે વિપક્ષના નેતા જેવી જવાબદાર અને મહત્ત્વના હોદ્દા પર બિરાજમાન છે”

ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે રાહુલ ગાંધી સંસદના મકર દ્વાર પ્રવેશદ્વાર પર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમના સાથીદારો સાથે ચા અને નાસ્તો કરતા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને આ ઘટના સાથે સંબંધિત સામગ્રી ધરાવતી પેન ડ્રાઈવ સાથે નોટિસ આપી છે અને જણાવ્યું છે કે આવી ક્રિયાઓએ સંસદની “ગરિમા ઘટાડી” છે.

Exit mobile version