ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2026: દેશની ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 14 થી 15 વર્ષની વયની કિશોરીઓને જીવલેણ સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) થી બચાવવા માટે હવે સમગ્ર દેશમાં વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયો છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આ રસીકરણ ઝુંબેશનો મંગળ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ગુજરાતની અંદાજે 5.5 લાખ કિશોરીઓને આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ રસીકરણ પ્રક્રિયા રાજ્યની વિવિધ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રો પર સઘન રીતે ચલાવવામાં આવશે. આ પહેલથી મોંઘી ગણાતી આ રસી હવે સામાન્ય પરિવારની દીકરીઓને પણ સરળતાથી ઉપલબ્ધ થશે, જે લાંબે ગાળે મહિલા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે દેશમાં સર્વાઈકલ કેન્સરના 79 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી આશરે 34 હજાર મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. મહિલાઓમાં આ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે. જો 14-15 વર્ષની વયે જ આ રસી આપી દેવામાં આવે, તો ભવિષ્યમાં કેન્સર થવાનો ખતરો નહિવત થઈ જાય છે.
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોને ઘર આંગણે આધુનિક સારવાર આપવા મક્કમ છે. જે અંતર્ગત સામુદાયિક આરોગ્ય કેન્દ્રોના મહેકમમાં વધારો કરી તેને 27 થી વધારીને 40 કરવાની યોજના છે. ધાનેરા CHC ખાતે નવીન મહેકમ મુજબ બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી-રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, સર્જન અને એનેસ્થેટિસ્ટ સહિતના તજજ્ઞોની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. એક્સ-રે અને લેબોરેટરી ટેકનિશિયન તેમજ નર્સિંગ સ્ટાફની પણ વધારાની ભરતીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આગામી વર્ષોમાં રાજ્યના તમામ સામુદાયિક આરોગ્ય કેન્દ્રોને તબક્કાવાર આ નવીન પેટર્ન મુજબ અપગ્રેડ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં પણ નિષ્ણાંત તબીબોની સેવાઓ મળી રહે.
આ પણ વાંચોઃ અમદાવાદ સેટેલાઇટમાં NRI દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા

