Site icon Revoi.in

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

Social Share

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા.

ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં 36325 અને 2019માં 37300 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મૃત્યુ થયાં હતા. કેન્સરને ગંભીર બીમારી માનવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લોકોમાં તમાકુ અને દારૂ સહિતના નશીલા દ્રવ્યોનો નશો કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ કેન્સર જેવી ગંભીર બીમારઓમાં પણ વધારો થયો છે.

કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કહેવા પ્રમાણે તમાકુ, આલ્કોહોલનો ઉપયોગ, અયોગ્ય આહાર, નિષ્ક્રિય જીવનશૈલી તેમજ વાયુ પ્રદૂષણના કારણે કેન્સરના રોગીઓની સંખ્યામાં વધારો દેખાયો છે.

દરમિયાન સમગ્ર દેશમાં વર્ષ 2020માં કેન્સરના નવા 13.92 લાખ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે ગુજરાતમાં ત્રણ વર્ષના સમયગાળામાં કેન્સરથી મૃત્યુમાં વધારો થયો છે. એટલું જ નહીં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

વર્ષ 2018માં કેન્સરના નવા 66069 દર્દીઓ નોંધાયાં હતા. જ્યારે વર્ષ 2019માં 67841 અને 2020માં અંદાજે 69,660 દર્દી નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષ 2021માં ગુજરાતમાં નવા કેસનો આંકડો 71 હજારને પાર થવાનો અંદાજ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવા પગલા ભરવામાં આવ્યાં છે.