Site icon Revoi.in

ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા 9400 વૉટ્સેએપ નંબર પ્રતિબંધિત કરવામાં આવ્યા

9400 WhatsApp numbers linked to digital arrests banned

9400 WhatsApp numbers linked to digital arrests banned

Social Share

નવી દિલ્હી, 28 એપ્રિલ, 2026 – ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા 9400 વૉટ્સેએપ નંબર પ્રતિબંધિત કરવામાં આવ્યા હોવાનું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. દેશમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડના જોખમને ડામવા માટે ટેલિકોમ રેગ્યુલેટર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ, RBI, ટેક દિગ્ગજો અને CBI દ્વારા બહુપક્ષીય કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, આવા ગુનાઓમાં સામેલ 9,400 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત અન્ય ઘણા કડક પગલાં લેવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય (MHA) હેઠળના ‘ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) દ્વારા આ કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત 9 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે દેશમાં વધી રહેલા ડિજિટલ અરેસ્ટના કેસોને રોકવા માટે આપેલા નિર્દેશોના પાલનમાં આ વ્યાપક સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, જેણે ડિજિટલ અરેસ્ટ સહિતના ઓનલાઈન ફ્રોડની સ્વતઃ સંજ્ઞાન (સુઓ મોટો) લીધી હતી, તેણે અનેક દિશાનિર્દેશો જારી કર્યા હતા. જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI), ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને અન્ય વિભાગોને ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં વળતર આપવા માટેનું માળખું તૈયાર કરવા માટે સંયુક્ત બેઠક યોજવા પણ જણાવ્યું હતું.

એટર્ની જનરલ આર. વેંકટરમણ મારફતે દાખલ કરવામાં આવેલા આ નવા સ્ટેટસ રિપોર્ટમાં, આ વર્ષે જાન્યુઆરીથી છેલ્લા 12 અઠવાડિયામાં ટેક દિગ્ગજ WhatsApp દ્વારા લેવામાં આવેલા અમલીકરણના પગલાંની વિગતો આપવામાં આવી છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, “I4C, MEITY (ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય) અને DoT દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાના સીધા પ્રતિસાદ રૂપે, WhatsAppએ જાન્યુઆરી 2026માં ભારતીય વપરાશકર્તાઓને નિશાન બનાવતા ડિજિટલ અરેસ્ટ કૌભાંડો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને એક સંરચિત, ઘણા અઠવાડિયા સુધી નિશ્ચિત તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં સખત પદ્ધતિ અપનાવવામાં આવી હતી: છેતરપિંડીના સંકેતો ઓળખવા, નેટવર્કનું મેપિંગ કરવું, સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી કરવી અને મોટા પાયે સ્વયંસંચાલિત સંરક્ષણ પ્રણાલી ઊભી કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો.”

રિપોર્ટમાં વધુમાં ઉમેર્યું છે કે, ડિજિટલ અરેસ્ટમાં કથિત સંડોવણીને કારણે અત્યાર સુધીમાં 9,400 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Exit mobile version