વેકેશન પૂરું થવાનું આવે એટલે આનંદ અને આરામની વાત થવી જોઈએ. પરંતુ આજના સમયમાં આ સમય પરિણામોની સીઝન બની ગઇ છે. સાથે સાથે માનસિક તણાવ અને નિરાશાની સીઝન પણ શરૂ થાય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે. માતા-પિતા પોતાની આખી બચત ખર્ચી નાખે છે. છતાં અંતે એક જ પ્રશ્ન ઊભો રહે છે કે શું આ બધાનું સાચું પરિણામ મળે છે? એક પિતા પોતાની દીકરી માટે લાખો રૂપિયા ખર્ચે છે. તે ઉત્તમ ગુણ લાવે છે. છતાં પણ તેને ઇચ્છિત સંસ્થા કે ક્ષેત્રમાં પ્રવેશ નથી મળતો. તો શું આ શિક્ષણ પ્રણાલી હવે સફળતાનો માર્ગ રહી નથી? પરંતુ મોંઘી લોટરી બની ગઈ છે?
માર્કની મોંઘવારી
આજના સમયમાં નવ્વાણું ટકા કે પંચાણું ટકા ગુણ સામાન્ય બની ગયા છે. પરંતુ સવાલ એ છે કે શું આ ગુણ સાચી ક્ષમતા દર્શાવે છે કે માત્ર એક દોડ છે જેમાં બાળકોને સતત દોડાવવામાં આવે છે. એક જ પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા ગુણ મેળવે છે. પરંતુ બેઠકો મર્યાદિત હોવાથી દરેકને યોગ્ય તક મળવી શક્ય નથી. એટલે સ્પષ્ટ છે કે માર્કની સંખ્યા વધી રહી છે પરંતુ તક ઓછી થઈ રહી છે. આ સ્થિતિને માર્કની મોંઘવારી કહી શકાય છે. જ્યાં માર્કની કિંમત ઘટી રહી છે.
કોચિંગનો વ્યવસાય
આજના સમયમાં કોચિંગ એક મોટો વ્યવસાય બની ગયો છે. બે વર્ષના અભ્યાસ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. માતા-પિતા ઘરેણાં ગીરવે મૂકે છે. જમીન વેચે છે. લોન લે છે. પોતાના બાળકના ભવિષ્ય માટે બધું દાવ પર મૂકે છે. છતાં પણ તેમને ખાતરી નથી મળતી. કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓને વિચારતા શીખવવામાં આવતા નથી. પરંતુ તેમને માત્ર પ્રશ્ન ઉકેલવાની રીતો શીખવવામાં આવે છે. જેના કારણે તેઓ મશીન જેવી કાર્યશૈલી અપનાવે છે. પરંતુ જીવનમાં સર્જનાત્મકતા અને નવી વિચારધારા માટે જગ્યા ઓછી રહી જાય છે.
નાની ઉંમરથી જ દબાણ શરૂ
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મોટું નુકસાન બાળકના બાળપણનું થાય છે. નાની ઉંમરથી જ દબાણ શરૂ થાય છે. રમવાનો સમય ઓછો થઈ જાય છે. સ્વતંત્ર વિચાર કરવાની તક મળતી નથી. અને માત્ર સ્પર્ધાની દોડમાં બાળક જોડાઈ જાય છે. આ રીતે આપણે ભવિષ્યના સર્જકો કે વિજ્ઞાની નહીં પરંતુ માત્ર પરીક્ષા માટે તૈયાર થયેલા લોકો તૈયાર કરી રહ્યા છીએ.
ગંભીર સામાજિક સમસ્યા
દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ નિરાશાના કારણે ખોટાં પગલાં લે છે. આ એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે. અપેક્ષાઓનો ભાર. સરખામણીનું દબાણ અને નિષ્ફળતા સહન કરવાની અસમર્થતા તેમને અંદરથી તોડી નાખે છે. સાચી વાત એ છે કે સમસ્યા બાળકોમાં નથી. પરંતુ આપણે બનાવેલી સિસ્ટમમાં છે. જે માત્ર ગુણ (માર્ક)ને મહત્ત્વ આપે છે. માનવીય મૂલ્યોને નહીં.
હવે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું. સૌથી પહેલા તો માતા પિતાએ સમાજની દેખાદેખી છોડવી પડશે. પોતાના બાળક માટે શું યોગ્ય છે તે સમજવું પડશે. દરેક બાળક અલગ હોય છે. તેની રસ અને ક્ષમતા અલગ હોય છે. કોઈને વિજ્ઞાન ગમે છે. કોઈને કલા ગમે છે. કોઈને ટેકનોલોજી ગમે છે. તો કોઈને વ્યવસાયમાં રસ હોય છે. માતા પિતાએ આ બાબતને સમજીને બાળકને તે દિશામાં આગળ વધારવું જોઈએ.
માર્ક્સ કરતાં સમજનું મહત્ત્વ
માર્ક્સ કરતાં સમજ વધુ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ગુણ-માર્ક થોડા સમય માટે હોય છે. પરંતુ સમજ જીવનભર કામ આવે છે. બાળકને સ્વઅભ્યાસ કરવાની આદત વિકસાવવી જોઈએ. આત્મવિશ્વાસ વધારવો જોઈએ અને મહેનત કરવાની તૈયારી રાખવી જોઈએ. આજના સમયમાં ડિગ્રી કરતા કૌશલ્ય વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે સંવાદ ક્ષમતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સર્જનાત્મકતા અને ટેકનિકલ કૌશલ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.
બાળકને જીવન માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવા જોઈએ. જેમ કે સમયનું સંચાલન, જવાબદારી અને સ્વતંત્રતા. આ કૌશલ્યો તેને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. માતા પિતાએ ખર્ચ કરતાં સમજદારીથી રોકાણ કરવું જોઈએ. જો લાખો રૂપિયા કોચિંગમાં ખર્ચવામાં આવે તેના બદલે તે રકમ ભવિષ્ય માટે સાચવી શકાય અને યોગ્ય સમયે ઉપયોગ કરી શકાય.
સાચી સફળતા એ નથી કે માત્ર કોઈ એક સંસ્થામાં પ્રવેશ મળે. પરંતુ સાચી સફળતા એ છે કે વ્યક્તિ પોતાનો માર્ગ શોધે, પોતાની ક્ષમતા અનુસાર આગળ વધે, અને ખુશી અને સંતુલન સાથે જીવન જીવશે. જીવનમાં અનેક માર્ગો છે અને દરેક માર્ગ પર સફળતા મેળવી શકાય છે.
માતા-પિતાને સંદેશ
અંતે માતા-પિતાને એક જ સંદેશ આપવો છે. તેઓ પોતાના બાળકને દોડમાં દોડાવવાના બદલે તેને પોતાનો માર્ગ શોધવામાં મદદ કરે. સમાજ આજે કદાચ નહીં સમજે. પરંતુ આવતીકાલે એ જ સમાજ તમારા નિર્ણયની પ્રશંસા કરશે. દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષતા હોય છે. તેને ઓળખીને યોગ્ય દિશામાં આગળ વધારવું એ જ સાચું કારકિર્દી ઘડતર છે. કર્મ અને મહેનત જ સફળતાનો સાચો માર્ગ છે.

