Site icon Revoi.in

અરવલ્લીમાં આઉટસોર્સિંગ ભરતીમાં નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

A complaint was submitted to the Collector alleging violation of rules in outsourcing recruitment in Aravalli.

A complaint was submitted to the Collector alleging violation of rules in outsourcing recruitment in Aravalli.

Social Share

હેમંત પરમાર, અરવલ્લી, 10 ઓગસ્ટ, 2026 – અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ માધ્યમથી કરવામાં આવતી કર્મચારીઓની ભરતીઓ અને નિમણૂકોમાં મોટા પાયે ગેરરીતિઓ તથા નીતિ-નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ગંભીર બાબત સામે આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) તથા નાણાં વિભાગના સુનિશ્ચિત ઠરાવો અને દિશાનિર્દેશોને કોરાણે મૂકીને કરવામાં આવતી આવી વહીવટી મનસ્વીતા સામે આજે જિલ્લાના શિક્ષિત યુવાનો અને યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધનો સૂર બુલંદ કરવામાં આવ્યો હતો. વહીવટી પારદર્શિતા જાળવવા અને સ્થાનિક યુવાનોના હિતોના રક્ષણાર્થે આજે જિલ્લા કલેક્ટર કચેરી, મોડાસા ખાતે કલેક્ટરશ્રીને એક વિધિવત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

આ રજૂઆત સામાજિક કાર્યકર તથા યુથ કોંગ્રેસ, અરવલ્લીના પ્રમુખ રાઠોડ આશુતોષ, મહામંત્રી ભરત ઠાકોર, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા સંયુક્ત રીતે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કરવામાં આવી હતી.

DRDA ની ૯૦ જગ્યાઓની ભરતી છ મહિનાથી અધ્ધરતાલ

કલેક્ટરશ્રીને પાઠવેલા આવેદનપત્રમાં જિલ્લાની મુખ્ય વહીવટી વિસંગતતાઓ તરફ ધ્યાન દોરતાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) સહિતના વિવિધ સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં કોઈ પણ પ્રકારની જાહેર વિજ્ઞાપન કે પારદર્શક પ્રક્રિયા વિના જ પછવાડેથી ભરતી કરી દેવાનો નિંદનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

તત્કાલીન સમયે જાગૃત યુવાનો અને સંગઠન દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતો અને વિરોધના પગલે અંતે DRDA મહેકમની અંદાજિત ૯૦ જેટલી મહત્ત્વની જગ્યાઓ માટે વહીવટી તંત્રે અધિકૃત જાહેરાત પ્રસિદ્ધ કરવાની ફરજ પડી હતી. જાહેરાત બાદ હજારો ઉમેદવારોના અરજી પત્રોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ઈન્ટરવ્યુ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અત્યંત આશ્ચર્યજનક અને દુઃખદ બાબત એ છે કે, આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને કોઈ પણ સ્પષ્ટ કારણ દર્શાવ્યા વિના છેલ્લા છ મહિનાથી અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે માસિક ધોરણે પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહેલા હજારો આશાસ્પદ યુવાનોનું ભવિષ્ય હાલ અંધકારમય બની ગયું છે.

ICDS અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પણ પારદર્શિતાનો અભાવ

આવેદનપત્રમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે માત્ર DRDA જ નહીં, પરંતુ ICDS, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના અન્ય તમામ સરકારી વિભાગોમાં પણ આઉટસોર્સિંગ ભરતી પૂર્વે વર્તમાનપત્રો કે સત્તાવાર વેબસાઈટ પર યોગ્ય જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતી નથી. પાછલા બારણેથી થતી આવી ભરતી પ્રક્રિયાઓને કારણે લાયકાત ધરાવતા સ્થાનિક શિક્ષિત યુવાનો અન્યાયનો ભોગ બની રહ્યા છે.

આવેદનપત્ર મારફતે રજૂ કરાયેલી મુખ્ય વહીવટી માંગણીઓ

DRDA ની વિધિવત રીતે જાહેર થયેલી ૯૦ જગ્યાઓ માટેની છેલ્લા છ મહિનાથી સ્થગિત કરી દેવાયેલી ઈન્ટરવ્યુ અને પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા સાથે સત્વરે પુનઃ શરૂ કરવામાં આવે અને કોઈપણ રાજકીય કે વહીવટી શિફારિશ વગર માત્ર ને માત્ર ગુણવત્તાના ધોરણે જ આખરી નિમણૂકો આપવામાં આવે.

ICDS, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના તમામ સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગથી કરાતી ભરતીઓ પૂર્વે સ્થાનિક/રાજ્યના દૈનિક વર્તમાનપત્રો તથા સંબંધિત વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અનિવાર્યપણે જાહેર વિજ્ઞાપન પ્રસિદ્ધ કરીને જ પારદર્શક અરજી પ્રક્રિયા અપનાવવામાં આવે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૬ માં આપેલા મૌલિક અધિકાર (રોજગારીની બાબતોમાં તકની સમાનતા) મુજબ સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓમાં આઉટસોર્સિંગ ભરતી દરમિયાન તમામ યોગ્ય લાયકાત ધરાવતા સ્થાનિક યુવાનોને સમાન, મુક્ત અને ન્યાયી તક સુનિશ્ચિત કરવામાં આવે.

આંદોલનની ચેતવણી

આવેદનપત્ર આપ્યા બાદ સામાજિક કાર્યકર અને યુથ કોંગ્રેસ પ્રમુખ રાઠોડ આશુતોષે વહીવટી તંત્રને કડક શબ્દોમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે થઈ રહેલો આ અન્યાય સાંખી લેવામાં આવશે નહીં. જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર બાબતે સત્વરે કોઈ સકારાત્મક, યોગ્ય અને પારદર્શક નિર્ણય લેવામાં નહીં આવે, તો જિલ્લાના શિક્ષિત યુવાનોના વ્યાપક હિતોની રક્ષા કાજે ગાંધીચિંધ્યા માર્ગે કાયદાકીય તેમજ લોકશાહી ઢબે ઉગ્ર વિરોધત્મક કાર્યક્રમો અને આંદોલન કરવાની ફરજ પડશે.

Exit mobile version