હેમંત પરમાર, અરવલ્લી
મોડાસા, 22 જૂન, 2026 – અરવલ્લી જિલ્લો તેની વન્ય સંપદા અને કુદરતી વાતાવરણ માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના વન વિભાગની કામગીરીને લઈને સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ અને આશંકાઓ વહેતી થઈ છે. સરકારી વિભાગોમાં પારદર્શિતા અને પ્રમાણિકતાના દાવાઓ વચ્ચે વન વિભાગમાં ચાલતી કથિત પ્રવૃત્તિઓ અંગે લોકોમાં વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ ચર્ચાઓ કોઈ સીધો આક્ષેપ નથી, પરંતુ લોકમુખે ચર્ચાતા એવા સવાલો છે જેમના જવાબો જાહેર હિતમાં મેળવવા અનિવાર્ય બન્યા છે.
ચાંદ ટેકરી સ્થિત કચેરી અને કથિત વહીવટ અંગે પ્રશ્નો
સ્થાનિક સ્તરે ચર્ચાતા સૌથી પ્રાથમિક અને ગંભીર સવાલો મુજબ, શું અરવલ્લી જિલ્લાના વન વિભાગમાં ખરેખર કોઈ પ્રકારનો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? મોડાસામાં ચાંદ ટેકરી પાસે આવેલી વન વિભાગની કચેરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકમુખે એવી ચર્ચા છે કે શું આ ઓફિસમાં કેટલાક જવાબદાર અધિકારીઓ ભેગા મળીને કથિત ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરાયેલી રકમનો મહિનાના કોઈ એક ચોક્કસ દિવસે ભાગ પાડે છે? આ વાતોમાં કેટલું તથ્ય છે તે મોટો પ્રશ્ન છે. લોકોમાં એ પણ કુતૂહલપૂર્વક પૂછાઈ રહ્યું છે કે શું આ કથિત વહીવટમાં ડીસીએફ (DCF), એસીએફ (ACF), આરએફઓ (RFO) કે ફોરેસ્ટર જેવા અધિકારીઓની કોઈ સંડોવણી છે ખરી?
આ પણ વાંચોઃ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું
આઉટસોર્સિંગ કર્મચારીઓની લાઈફસ્ટાઈલ અને મધ્યરાત્રિએ લાકડાની હેરાફેરી
આ સિવાય અન્ય એક આશ્ચર્યજનક ચર્ચા વન વિભાગમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓની લાઈફસ્ટાઈલને લઈને પણ થઈ રહી છે. સામાન્ય રીતે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કર્મચારીઓનું વેતન મર્યાદિત હોય છે, છતાં આ કચેરીમાં કામ કરતા કેટલાક આઉટસોર્સિંગ કર્મચારીઓ ગાડીઓ લઈને ફરતા જોવા મળે છે. આ બાબત જોઈને લોકોના મનમાં સહજ પ્રશ્ન થાય છે કે આ કર્મચારીઓ પાસે ગાડીઓ લાવવાના સ્રોત કયા છે?
બીજી તરફ, વન્ય સંપદાના રક્ષણની જવાબદારી જેમના શિરે છે, તે જ વિભાગની હદમાં રાત્રિના સમયે થતી શંકાસ્પદ હિલચાલ અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. લોકચર્ચા મુજબ, શું મધ્યરાત્રિએ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો કે ડાલા (પિકઅપ વાહનો)માં મોટા પાયે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરવામાં આવે છે? શું મોડાસા, માલપુર, ધનસુરા કે બાયડ જેવા વિસ્તારોમાંથી કથિત રીતે લાકડા ભરીને છેક કપડવંજ સુધી પહોંચાડવામાં આવે છે? રાત્રિના અંધકારમાં નંબર પ્લેટ વિનાના વાહનો પસાર થાય અને વન વિભાગ તરફથી કોઈ કડક કાર્યવાહી ન થાય, તે બાબત પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનો વિષય બની છે.
ઉચ્ચ કક્ષાએ સંપર્ક સાધવાનો પ્રયત્ન
આ તમામ લોકમુખે ચર્ચાતા ગંભીર પ્રશ્નોની સત્યતા તપાસવા અને વહીવટી તંત્રનો પક્ષ જાણવા માટે ગાંધીનગર ખાતે આવેલી વન વિભાગની મુખ્ય કચેરીમાં પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી વિનોદ આર. રાવ સાહેબનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેઓ આ બાબતે શું અભિપ્રાય ધરાવે છે અને આ ચર્ચાઓ પાછળ કેટલી વાસ્તવિકતા છે તે જાણવાનો હેતુ હતો. પરંતુ, કદાચ વહીવટી વ્યસ્તતાને કારણે તેઓ ફોન ઉપાડી શક્યા ન હતા, જેથી આ મુદ્દે ઉચ્ચ કક્ષાનો સત્તાવાર મત જાણી શકાયો નથી.
ભૂતકાળના એસીબી ટ્રેપના કિસ્સાઓ આપે છે ચર્ચાને વેગ
વન વિભાગ પ્રત્યે લોકોમાં ઉઠતી આ આશંકાઓ પાછળ ભૂતકાળના કેટલાક કિસ્સાઓ પણ જવાબદાર હોવાનું મનાય છે. અરવલ્લી જિલ્લામાં અગાઉ વન વિભાગના જ કેટલાક કર્મચારીઓ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવી ચૂક્યા છે.
મોડાસા ખાતે અગાઉ ફરજ બજાવતા એસ.વી. ચૌધરી રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા.
તેવી જ રીતે, અન્ય એક કર્મચારી એસ.કે. મન્સૂરી રૂપિયા ૬૦,૦૦૦ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા.
જ્યારે ધનસુરા ખાતે કાર્યરત હિતેન્દ્ર એમ. ફુલેત્રા રૂપિયા ૩૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાયા હતા.
આવા ભૂતકાળના કિસ્સાઓને લીધે જ આજે પણ વન વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી જાય છે.
અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી પર સીધો આરોપ લગાવવામાં આવતો નથી, પરંતુ લોકમુખે ચર્ચાતા આ પ્રશ્નો વન વિભાગની શાખ પર સવાલો ઊભા કરે છે. તંત્ર દ્વારા આ બાબતોની યોગ્ય તપાસ કરવામાં આવે અને શંકાઓનું નિવારણ થાય તે જ વન વિભાગની વિશ્વસનીયતા વધશે.

