ભૂજ, 6 ઓક્ટોબર, 2026 : કચ્છ જિલ્લાનાં પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રાના વિરાણીયા ગામે રાત્રિસભામાં ઉપસ્થિત રહી ગામલોકો સાથે સંવાદ કર્યો હતો. વિરાણીયા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલ રાત્રિસભામાં રાજ્યપાલએ સ્વચ્છતા, વૃક્ષારોપણ, પાણીની બચત, નશામુક્તિ, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન સહિતના વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ સ્વચ્છતા પર ભાર મૂકી ગામને સ્વચ્છ રાખવાં દરેક ગ્રામજનને શ્રમદાન કરવા અપીલ કરી હતી. તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવીને જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ અચૂક વૃક્ષારોપણ કરી કચ્છની ધરાને હરિયાળી બનાવવા માટે સહયોગ આપવા ગ્રામજનોને આહ્વાન કર્યું હતું.
રાત્રિસભામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને રસાયણ મુક્ત ખેતી કરવા અપીલ કરી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે અને દેશનાં વિકાસ માટે જરૂરી છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં સરકારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના ૧૦૦ નવા વેચાણ કેન્દ્ર લોન્ચ કર્યાં છે.
આ પ્રસંગે તેમણે ગ્રામજનોને જળ સંરક્ષણ માટે વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને ખેતીની સાથે વધારાની આવક માટે પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા સૂચન કર્યું હતું.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાઓ અને બાળકો ભારતની આવતીકાલ છે. માતા-પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ, જંકફૂડ, વ્યસન વગેરેથી દૂર રાખવા રાજ્યપાલએ અપીલ કરી હતી.
રાજ્યપાલએ આધ્યાત્મિકતા, સામાજિક સમરસતા, માનવધર્મ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. સામાજિક સમરસતા પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, ઈશ્વરે આ ધરતી પર કોઈ જાતિ કે જ્ઞાતિ નથી બનાવી, તેણે માત્ર એક જ મનુષ્ય જાતિનું સર્જન કર્યું છે. માનવોએ પોતાના સ્વાર્થ અને સંકુચિત માનસિકતાના કારણે જ્ઞાતિ-જાતિના ભેદભાવો ઊભા કર્યા છે.
ગામ અને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણને સૌથી મહત્વનું પરિબળ ગણાવતા રાજ્યપાલએ અપીલ કરી હતી કે, ગામના તમામ બાળકોને પૂરતું અને શ્રેષ્ઠ શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. વર્તમાન સમયમાં સરકાર અને સમાજ દ્વારા જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેનો મહત્તમ લાભ ઉઠાવીને સૌએ સાથે મળીને સમાજ તથા પોતાના ગામને પ્રગતિના પંથે આગળ વધારવો જોઈએ. ગામમાં સામાજિક એકતા, ભાઈચારો તથા શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા ગામ લોકોને અપીલ કરી હતી.


