- ભારતની તકનીકી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓ
અમદાવાદ, 11 મે, 2026 – રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર અમદાવાદ એ વાતનું ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે એક ઐતિહાસિક શહેર પોતાની વિરાસત જાળવી રાખીને પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી શકે છે. ડૉ. વિક્રમ સારાભાઈના સપનાઓ આજે ડિજિટલ અને સ્માર્ટ અમદાવાદના રૂપમાં સાકાર થઈ રહ્યા છે. ભારતમાં દર વર્ષે ૧૧ મે ના રોજ ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું પ્રતીક છે. ૧૯૯૮માં આજના દિવસે ભારતે સંરક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે એક એવો ઇતિહાસ રચ્યો હતો, જેણે સમગ્ર વિશ્વમાં ભારતની શક્તિનો પરિચય કરાવ્યો હતો.
આ દિવસની ઉજવણી પાછળનું મુખ્ય કારણ ૧૧ મે, ૧૯૯૮ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણો છે. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે ‘ઓપરેશન શક્તિ‘ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો. તેમજ અમદાવાદ સાયન્સ સિટી હંમેશા ટેકનોલોજી અને વિજ્ઞાનના પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નેશનલ ટેક્નોલોજી ડે નિમિત્તે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણો અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જે મુલાકાતીઓને વિજ્ઞાનની રોમાંચક દુનિયામાં લઈ જશે.
દર વર્ષે ૧૧ મેના રોજ ઉજવવામાં આવતા ‘નેશનલ ટેક્નોલોજી ડે’ અંતર્ગત આ વખતે અમદાવાદ સાયન્સ સિટી સજ્જ થઈ રહ્યું છે. ભારતની તકનીકી સિદ્ધિઓની ઉજવણી કરવા માટે સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
સાયન્સ સિટીમાં આગામી સમયમાં સૌથી મોટું આકર્ષણ અત્યાધુનિક ડિજિટલ પ્લેનેટોરિયમ અને સ્પેસ ટેક્નોલોજી ઝોન હશે. અહીં મુલાકાતીઓ ઇસરો અને નાસાના મિશનની પ્રતિકૃતિઓ જોઈ શકશે. આ ઝોનમાં વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા અવકાશની સફરનો અનુભવ કરાવવામાં આવશે. રોબોટિક ગેલેરીમાં નવા હ્યુમનોઇડ રોબોટ્સનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ રોબોટ્સ માત્ર વાતચીત જ નહીં, પરંતુ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી રહ્યું છે, તેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીં જોવા મળશે.
પર્યાવરણની જાળવણી માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, તે દર્શાવતી એક ખાસ ગેલેરી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં સોલર એનર્જી, સ્માર્ટ એગ્રીકલ્ચર અને વેસ્ટ-ટુ-એનર્જી મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. બાળકો માટે ‘લર્ન વિથ ફન’ના હેતુથી સાયન્સ પાર્કમાં નવા ઇન્ટરેક્ટિવ સાધનો મૂકવામાં આવશે. જેમાં ભૌતિક વિજ્ઞાનના જટિલ નિયમોને સરળ પ્રયોગો દ્વારા સમજાવવામાં આવશે. અમદાવાદ સાયન્સ સિટી આ નવા આકર્ષણો સાથે ટેક્નોલોજીના ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિનું પ્રતીક બની રહેશે. આ સુવિધાઓ આવનારા સમયમાં માત્ર પ્રવાસન જ નહીં, પણ વિજ્ઞાન શિક્ષણના ક્ષેત્રમાં પણ એક નવો માઇલસ્ટોન સાબિત થશે.
યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મન કી બાત’ જેવા રાષ્ટ્રીય મંચ પરથી અમદાવાદ સાયન્સ સિટીનો ઉલ્લેખ એ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિજ્ઞાન શિક્ષણ અને સંચાર સાથે જોડાયેલા લોકો માટે ગૌરવ અને પ્રોત્સાહનની વાત છે. તે સાબિત કરે છે કે સાયન્સ સિટી તેના સ્થાપનાના ઉદ્દેશ્યોને સાર્થક કરતાં, ભારતના યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના જગાડવામાં અને તેમને ભવિષ્યના ઇનોવેટર્સ બનવા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યું છે. આ ઉલ્લેખ સાયન્સ સિટીની સમગ્ર ટીમને ભવિષ્યમાં વધુ ઉત્સાહ સાથે કાર્ય કરવા અને વિજ્ઞાનની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા માટે પ્રેરણા આપશે.
સાયન્સ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, બ્લોકચેન, સાઇબર સુરક્ષા અને સ્માર્ટ સિટી ટેક્નોલોજી જેવી અદ્યતન ટેક્નોલોજી દર્શાવતી નવી ડિજિટલ ગેલેરી બનાવવામાં આવશે. ‘Unleashing the Digital Future’ નામની આ ગેલેરીમાં કુલ 12 થીમ આધારિત વિભાગો રહેશે. આ ગેલેરી વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય મુલાકાતીઓ માટે હેન્ડ્સ‑ઓન અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ અનુભવ આપવા માટે રચાઈ રહી છે. ગેલેરીમાં Edu.Tech, Med.Tech, Agri.Tech, Fin.Tech, Space Tech અને Smart City Technology જેવા ક્ષેત્રોમાં ટેક્નોલોજી કેવી રીતે વાસ્તવિક જીવન, સેવાઓ અને શાસન વ્યવસ્થામાં ઉપયોગી બની રહી છે તે સરળ ભાષામાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ
ગેલેરીમાં ડિજિટલ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે, ડેટા, કમ્પ્યુટિંગ અને કનેક્ટિવિટી કેવી રીતે એકબીજાથી જોડાય છે, તેમજ ટેક્નોલોજી સમાજ, પર્યાવરણ અને અર્થતંત્ર પર કેવી અસર કરે છે તે વિષયો પર ભાર મૂકવામાં આવશે. મુલાકાતીઓને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, સ્માર્ટ સિટી સોલ્યુશન્સ અને સસ્ટેનેબલ લિવિંગ મોડલ્સના ઉદાહરણો દ્વારા ભવિષ્યમુખી વિચારધારાનો અનુભવ મળશે. સાયન્સ સિટીની આ ગેલેરીમાં એઆઈ આધારિત બદલાતી વ્યવસ્થાઓ, બાયોટેકનોલોજી, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ, ક્વોન્ટમ ટેક્નોલોજી, હાઇપર‑કનેક્ટિવિટી, મેક‑ઇન‑ઇન્ડિયા ડિજિટલ ઇનોવેશન, ડિજિટલ લિટરેસી, બ્લોકચેન, સાઇબર સુરક્ષા, સ્માર્ટ સિટી પ્લાનિંગ અને સ્પેસ ટેક્નોલોજી જેવા વિષયો માટે અલગ‑અલગ થીમ આધારિત ઝોન તૈયાર કરવામાં આવશે, જે ભારતના ડિજિટલ ભવિષ્યની સમગ્ર તસવીર રજૂ કરશે.

