Site icon Revoi.in

પંજાબમાં આપ સરકાર સંકટમાં, ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે: કોંગ્રેસનો દાવો

Social Share

ચંદીગઢ 30 એપ્રિલ 2026: ગુરદાસપુરના કોંગ્રેસી સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સ્ફોટક દાવો કર્યો છે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રંધાવાએ જણાવ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી (આપ) સરકાર અત્યારે ગંભીર સંકટમાં છે અને આગામી સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રંધાવાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો અત્યારે ભારતીય જનતા પાર્ટીના સતત સંપર્કમાં છે. તેઓ માત્ર પક્ષ છોડવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. ‘આપ’માં આંતરિક ઉથલપાથલ ચાલી રહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પોતાની પકડ ગુમાવી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પોતે ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા રંધાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, “અમારા વિશે જે અફવાઓ ફેલાવવામાં આવી હતી તે પાયાવિહોણી છે. હું ખાતરીપૂર્વક કહું છું કે કોંગ્રેસનો એક પણ વર્તમાન સાંસદ કે ધારાસભ્ય પક્ષ છોડીને ભાજપમાં જવાનો નથી.” તેમણે વધુમાં કહ્યું કે જે નેતાઓ અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, તેમની આજે જે હાલત છે તે જોઈને કોઈ કોંગ્રેસી ભાજપમાં જવાની ભૂલ નહીં કરે.

‘આપ’ના રાજ્યસભા સાંસદોના પક્ષપલટા અંગે આકરા પ્રહારો કરતા રંધાવાએ કહ્યું કે, “ગદ્દારોએ ગદ્દારો સાથે જ ગદ્દારી કરી છે.” તેમણે કટાક્ષ કર્યો કે આમ આદમી પાર્ટીમાં આજે એવા અનેક નેતાઓ મંત્રી કે અધ્યક્ષ પદ પર બેઠા છે જેઓ પહેલા શિરોમણી અકાલી દળ કે કોંગ્રેસમાં હતા.

રંધાવાએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવના નેતૃત્વ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. નશાના તસ્કરો અને ગેંગસ્ટરો બાદ હવે ઉગ્રવાદ ફરી માથું ઊંચકી રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ રેલવે ટ્રેક પર થયેલા ધડાકા છે.

તેમણે સરકારને પોલીસ નેતૃત્વ અંગે વિચાર કરવા અને તમામ પક્ષોને સાથે મળીને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા અપીલ કરી હતી. વર્તમાન વિધાનસભા સત્ર અંગે ટિપ્પણી કરતા રંધાવાએ કહ્યું કે, સરકાર મજૂરોનું હિત સાધવાના બહાને માત્ર પોતાનો રાજકીય ફાયદો લેવાની કોશિશ કરી રહી છે.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો હુમલો કરવાનું ISI નું કાવતરુ, ગુપ્તચર વિભાગનો અહેવાલ

Exit mobile version