ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો હુમલો કરવાનું ISI નું કાવતરુ, ગુપ્તચર વિભાગનો અહેવાલ
નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં મોટા પાયે ભાંગફોડ કરવાની વર્ષોથી મેલી મુરાદ ધરાવે છે. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીપૂર્વે આઈએસઆઈ મોટો હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યું હોવાનું ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો હુમલો કરવાની પાકિસ્તાન ફિરાકમાં હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. દરમિયાન ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં મોટો હુમલો કરતા પહેલા આઈએસઆઈ ભારતીય સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરશે. આ માટે પ્રોપેગેંડા ફેલાવવાની સાથે અન્ય ગતિવિધીઓ મારફતે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા સહિતના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અગાઉ સામે આવી ચુકી છે. બીજી તરફ ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં હવે ભારતમાં જો આતંકવાદી હુમલો થશે તો ભારત આતંકવાદીઓના ગઢ ઉપર ફરીથી હુમલો કરશે.


