1. Home
  2. ગુજરાતી
  3. અન્ડરવર્લ્ડ પર EDની કાર્યવાહી: ઈકબાલ મિર્ચીની મુંબઈ-દુબઈની કરોડોની મિલકતો ટાંચમાં લેવા કોર્ટની મંજૂરી
અન્ડરવર્લ્ડ પર EDની કાર્યવાહી: ઈકબાલ મિર્ચીની મુંબઈ-દુબઈની કરોડોની મિલકતો ટાંચમાં લેવા કોર્ટની મંજૂરી

અન્ડરવર્લ્ડ પર EDની કાર્યવાહી: ઈકબાલ મિર્ચીની મુંબઈ-દુબઈની કરોડોની મિલકતો ટાંચમાં લેવા કોર્ટની મંજૂરી

0
Social Share

મુંબઈ, 30 એપ્રિલ 2026: મુંબઈની વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને  અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી અને તેના પરિવાર સાથે જોડાયેલી વધારાની મિલકતોને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ’ (એફઈઓએ), 2018 હેઠળ જપ્ત કરવાની લીલી ઝંડી આપી દીધી છે. આદેશમાં અદાલતે ઈડીને તપાસ દરમિયાન સામે આવેલી નવી મિલકતોને પણ આ યાદીમાં સામેલ કરવાની મંજૂરી આપી છે.

ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મુંબઈના પોશ ગણાતા વરલી વિસ્તારની ત્રણ અત્યંત કિંમતી જમીનો હવે ટાંચમાં લેવામાં આવશે. જેમાં રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતોનું કુલ ક્ષેત્રફળ અંદાજે 4,970.41 ચોરસ મીટર છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઈકબાલ મિર્ચી ઉર્ફે ઈકબાલ મેમને વર્ષ 1986માં તેની પેઢી ‘રોકસાઈડ એન્ટરપ્રાઈઝ’ દ્વારા આ મિલકતો માત્ર 6.5 લાખ રૂપિયામાં ખરીદી હતી. ત્યારબાદ ટ્રસ્ટ અને ડમી ભાડૂતો ઉભા કરીને અસલી માલિકી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

માત્ર ભારત જ નહીં, પરંતુ દુબઈમાં આવેલી મિર્ચીની આલીશાન પ્રોપર્ટીઝ પર પણ ED સકંજો કસશે. જેમાં હોટેલ અને અન્ય મિલકતનો સમાવેશ થાય છે. એજન્સીનો દાવો છે કે આ મિલકતો ગુનાખોરી દ્વારા મેળવેલા નાણાંમાંથી ખરીદવામાં આવી હતી. ઈડીના જણાવ્યા અનુસાર, મિર્ચીની બેનામી મિલકતો છુપાવવા માટે તેના પરિવારના સભ્યો આસિફ ઈકબાલ મેમણ, જુનૈદ ઈકબાલ મેમણ અને હાજરા ઈકબાલ મેમણ તેમજ વિવિધ પ્રોક્સી અને ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં આ જ અદાલતે આ આરોપીઓને ફોગેટિવ ઈકોનોમીક ઓફેન્ડર જાહેર કર્યા હતા.

તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે વરલીની આ મિલકતોના સંપાદન માટે વાધવાન બંધુઓ દ્વારા 154 કરોડ રૂપિયાથી વધુની રકમ વિદેશ મોકલવામાં આવી હતી. આર્થિક વ્યવહારોના માધ્યમથી દુબઈની મિલકતોનું પણ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. કોર્ટે માન્યું છે કે આ મિલકતો ગુનાના નાણાં સાથે સીધી રીતે જોડાયેલી છે, તેથી કાયદેસરની પ્રક્રિયા હેઠળ તેને એટેચ કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code