Site icon Revoi.in

ભાવનગરમાં આવાસોના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ સવારે દિલ્હી જવા રવાના થયા

Social Share

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી તલગાજરડા ચિત્રકુટમાં સંત મોરારીબાપુ સાથે ધાર્મિક સત્સંગ કર્યા બાદ રાષ્ટ્રપતિએ ભાવનગર પરત ફરીને ઈ ડબલ્યુ એસ આવાસોનું લોકોર્પણ કર્યું હતું અને ભાવનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી આજે  શનિવારે સવારે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

ભાવનગર પ્રથમ વાર આવેલા રાષ્ટ્રપતિ અને પરિવારના સભ્યો સર્કિટ હાઉસ ખાતે  રોકાયા હતા.  સાંજે અસલ કાઠિયાવાડી ભોજન સાથે અનેક પ્રકારની વાનગીઓ ની મિજબાની સાથે તેમણે ભાવનગરની મહેમાનગતિ માણી હતી અને સવારનો નાસ્તો કરી તેઓ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયા હતા. ભાવનગરમાં શુક્રવાર મહત્વનો બની રહ્યો હતો કારણ કે રાષ્ટ્રપતિ,  રાજ્યપાલ અને મુખ્યમંત્રી ત્રણેય આ દિવસે ભાવનગર હાજર હતા.

રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત રૂ. 58.83 કરોડના ખર્ચે નવનિર્મિત 1088  ઈ.ડબલ્યુ.એસ -1 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલ પણ આ અવસરે સહભાગી થયા હતા.નવનિર્મિત આવાસોના લોકાર્પણ પ્રસંગે રાષ્ટ્રપતિએ દિવાળીના પર્વ પૂર્વે ગૃહ પ્રવેશ કરી રહેલા લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ પ્રતિકરૂપે ૫ લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી હતી. આ પ્રસંગે દિવાળી પૂર્વે ઘરનું ઘર મળતા લાભાર્થીઓમાં મંગલ ગૃહ-પ્રવેશનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  આવાસ અર્પણના આ અવસરે 2022 સુધીમાં સૌને આવાસના પ્રધાનમંત્રીના સંકલ્પને ગુજરાતમાં સાકાર કરવાનો રોડમેપ દર્શાવતું પ્રેઝન્ટેશન રાષ્ટ્રપતિ સમક્ષ ગુજરાતના શહેરી આવાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અન્વયે ભાવનગરમાં નિર્માણ પામેલા આ આવાસોમાં બે રૂમ, વોશ એરિયા, રસોડુ, શૌચાલય અને બાથરૂમની સુવિધા ઉપરાંત પી.એન.જી ગેસ પાઇપલાઇન કનેક્શન પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.