Site icon Revoi.in

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પૂર્વે રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને મળશે નવી ઓળખ

Social Share

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને બીજી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે શ્રેણી હવે 1-1ની બરાબરી પર પહોંચી ગઈ છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે. જો કે આ મેચ પહેલા રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખરેખર, ત્રીજી ટેસ્ટના એક દિવસ પહેલા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમને નવું નામ મળવા જઈ રહ્યું છે.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ 14 ફેબ્રુઆરીએ બદલવામાં આવશે. આ સ્ટેડિયમનું નવું નામ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને અનુભવી એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહના નામ પર રાખવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહ રાજકોટના સ્ટેડિયમના નવા નામ નિરંજન શાહ સ્ટેડિયમનું અનાવરણ કરશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે ‘જય શાહ નવા નામનું અનાવરણ કરશે. અમે આ કાર્યક્રમ માટે BCCIના વરિષ્ઠ અધિકારીઓને આમંત્રણ મોકલ્યા છે. આ ખાસ કાર્યક્રમમાં ખેલાડીઓ પણ ભાગ લઈ શકશે.

નિરંજન શાહે તેમની કારકિર્દીમાં સૌરાષ્ટ્ર માટે 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેઓ 40 વર્ષ સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદે રહ્યા હતા. તેઓ બીસીસીઆઈમાં સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ સિવાય તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરના પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રાજકોટના આ સ્ટેડિયમનું નામ બદલવાનો પ્રસ્તાવ ગયા વર્ષે જ SCAની વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.