Site icon Revoi.in

અમદાવાદ શહેર-જિલ્લામાં સરેરાશ 54 ટકા જેટલુ મતદાન, ઓછા મતદાનથી ઉમેદવારો ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં 66 ટકાથી વધારે મતદાન યોજાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન અમદાવાદ શહેર-જિલ્લામાં થયાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર-જિલ્લામાં લગભગ 54 ટકા જેટલુ મતદાન થયું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરની ઘાટલોડિયામાં 55, વેજલપુરમાં 44, વટવામાં 53, એલિસબ્રિજ 53, નિકોલમાં 54, નરોડામાં 45, નારણપુરામાં 57 ટકા, ઠક્કરબાપામાં 50, બાપુનગરમાં 55, ધોળકામાં 57, ધંધૂકામાં 54, વિરમગામમાં 60.31, સાણંદમાં 59 અને દસકોર્ઈમાં 65 ટકા જેટલુ મતદાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરના રાણીપ વિસ્તારપમાં મતદાન કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ પત્ની સાથે મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરોડા વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ આજે પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જગદીશ ઠાકોર સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું.

મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતના દાવા કર્યાં હતા. જો કે, 8મી ડિસેમ્બરના રોજ ગણતરી હાથ ધરાશે. ત્યારે જ ખબર પડશે કે કઈ પાર્ટીને બહુમતી મળે છે. બીજી તરફ પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કામાં ઓછુ મતદાન થતા રાજકીય પક્ષો અને ઉમેદવારો ચિંતામાં મુકાયાં છે. તેમજ મતદારોએ કોના પક્ષમાં મતદાન કર્યું છે તેની ચિંતામાં જે તે વિસ્તારના મતદાનના આંકડાનું રાજકીય ગણિત માંડી રહ્યાં છે.