- અમદાવાદ મહાનગરપાલિકા માટે પાયલટ પ્રોજેક્ટની તૈયારી: એજન્સી દ્વારા AI મોડેલ નિર્માણ પર કામ શરૂ
ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026: solution to solve the problem of stray cows અમદાવાદ સહિત રાજ્યમાં ઠેરઠેર રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ હવે હાથવેંતમાં હોય એવું લાગે છે. ગાયો ગમે ત્યાં ફરતી હોવાથી તેમને તો નુકસાન છે જ, પરંતુ તેને કારણે અકસ્માતોનું પણ ગંભીર જોખમ રહે છે. દેખીતી રીતે આ માટે ગાયોના માલિકો જવાબદાર હોય છે પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ મળ્યો હોય એવું લાગે છે.
ગુજરાતનાં શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે.
-
સ્માર્ટ શહેર માટે સ્માર્ટ ઉપાય: CCTV+AI = રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે
-
ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક છે તેનું યુનિક બાયોમેટ્રિક ID: નાકની રચના, આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેક્નોલોજી
અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ, તેમાં લાગેલી માઇક્રો ચીપ અને RFID ટેગના આધારે ગાયની ઓળખ કરે છે. આ પ્રક્રિયા મેન્યુઅલી થતી હોવાથી તેમાં સમય અને ઊર્જાનો ઘણો વ્યય થાય છે. આ કામગીરીને ઝડપી બનાવવા, તેમજ સમય અને ઊર્જાનો વ્યય ઘટાડવા માટે અત્યારે AI ટેક્નોલોજીને સામેલ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આ સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થિત AI સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક એજન્સીને AI મોડેલ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. એજન્સીએ ડીપ લર્નિંગ મોડેલ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અમુક સૂચનો રજૂ કર્યા છે, અને તેના આધારે તેઓ સ્ટિયરિંગ કમિટી સમક્ષ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડલ ટૂંક સમયમાં રજૂ કરશે. આ મોડેલ સીસીટીવી કેમેરા દ્વારા લેવામાં આવતી તસવીરોને AI મોડેલ સાથે એકીકૃત કરીને રિયલ ટાઇમમાં ગાય અને તેના માલિકની ઓળખ કરતું AI મોડલ તૈયાર કરી રહી છે.
એજન્સીનું પ્રસ્તાવિત AI મોડલ કેવી રીત કામ કરશે ?
એજન્સીએ કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ AI મોડલ દ્વારા આ સમસ્યાનું સમાધાન સૂચવ્યું છે. આ મોડલ અંતર્ગત AI ગાયના ચહેરાને સ્કેન કરશે જેમાં સૌથી મહત્વની ઓળખ ગાયના નાકના આધારે થશે. જે રીતે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, એવી જ રીતે દરેક ગાયના નાકની ડિઝાઇન અલગ અલગ હોય છે. તે સિવાય ગાયની આંખો અને ચહેરા પર કોઈ દાગ કે નિશાન હોય તો તેનું પણ સ્કેનિંગ કરવામાં આવશે. તેના આધારે AI મોડલ તે ગાયને ભીડમાંથી ઓળખી લેશે અને ડેટાબેઝ સાથે મેચ કરીને ગાયના માલિકની વિગતો પણ રજૂ કરી દેશે.
અત્યારે અમદાવાદમાં 1 લાખ 10 હજાર જેટલી ગાયોમાં RFID ટેગ અને માઇક્રોચીપ લાગેલી છે. તેનો ડેટાબેઝ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાળવવામાં આવે છે. શહેરમાં 130 જંક્શન પર કેમેરા દ્વારા રખડતી ગાયોની તસવીરો લેવામાં આવે છે. આ સોલ્યુશન જો કારગર નિવડે તો મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતી ગાયોના લીધે થતી ટ્રાફિક અને અન્ય સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવામાં મદદ મળશે. આ નિરાકરણ દ્વારા રખડતી ગાયો દ્વારા થતા અકસ્માતોને અટકાવીને જાહેર સુરક્ષા વધારવાનો તેમજ ડેટા આધારિત નિરીક્ષણ વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવાનો સરકારનો ઉદ્દેશ છે.

