Site icon Revoi.in

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

Amdavad schools named after sages

Amdavad schools named after sages

Social Share

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

શું છે ઉદ્દેશ?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ૪૫૩ શાળાઓને અત્યાર સુધી વિસ્તાર અને નંબરથી ઓળખવામાં આવતી હતી. શતાબ્દી વર્ષ (૧૦૦ વર્ષ)ની ઉજવણીના અવસરે શાળાઓને નવી સાંસ્કૃતિક ઓળખ આપવાના ઉમદા આશય સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના “વિકાસ ભી, વિરાસત ભી”ના વિચારને અનુરૂપ બાળકોને ભારતના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવવા માટે શાળાઓને મહાન ઋષિઓનાં નામ આપવામાં આવ્યાં છે.

કઈ શાળા કોના નામથી ઓળખાશે, જાણો

આ અંતર્ગત (૧) નવાવાડજ મ્યુનિ. શાળા નં.૧ને સતી અનસુયા મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, (૨) નવાવાડજ મ્યુનિ. શાળા નં.૩/૪ને અત્રિ ઋષિ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, (૩) ગાંધીનગર મ્યુનિ. શાળા નં.૨ને ગૌતમ ઋષિ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા, (૪) નવાવાડજ મ્યુનિ. શાળા નં.૯/૧૦ને વશિષ્ઠ ઋષિ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા તથા (૫) નિર્ણયનગર મ્યુનિ. પ્રાથમિક શાળાને જમદગ્નિ ઋષિ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા તરીકે નામકરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું કે માણસની સાચી ઓળખ તેના સંસ્કાર અને સંસ્કૃતિ પરથી થાય છે. ઋષિ-મુનિઓ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના આધારસ્તંભ છે. પ્રાચીન ગુરૂકુળ પરંપરામાંથી ઉપજી આવેલી ભારતીય શિક્ષણ પ્રણાલી આજે પણ મૂલ્યાધારિત શિક્ષણનો પ્રેરણાસ્રોત છે. આવા મહાન ઋષિઓના નામે મ્યુનિ. શાળાઓની ઓળખ ઊભી થવાથી બાળકોમાં સંસ્કાર, દેશભક્તિ અને મૂલ્યોનો વિકાસ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિશામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રયાસો પ્રશંસાપાત્ર છે. સ્કૂલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે, તે બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ભગત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, દંડક શિતલબેન ડાગા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક, વાઇસ ચેરમેન યોગેશકુમાર કે. પટેલ, વાઇસ ચેરમેન રેવન્યુ કમિટી પ્રદિપભાઇ દવે, શાસનાધિકારી ડૉ. એલ.ડી.દેસાઇ તેમજ વાડજ વોર્ડના કાઉન્સિલર વિજયભાઇ પંચાલ, લલીતાબેન મકવાણા, ભાવનાબેન વાઘેલા તથા અન્ય કાઉન્સિલરો તેમજ સ્કૂલ બોર્ડ સભ્યો, સ્કૂલ બોર્ડના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ

અમદાવાદને મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનનું સ્વાગત કોલકાતામાં કર્યું

Exit mobile version