જયપુર, 11 જૂન 2026: કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જયપુરની મુલાકાત દરમિયાન જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં રેલવે વિકાસ, બહેતર કનેક્ટિવિટી અને આધુનિક ટેકનોલોજીકલ માળખાને મજબૂત કરવા માટે અભૂતપૂર્વ રોકાણ કર્યું છે.
વર્ષ 2014 પહેલાં રાજસ્થાન માટે રેલવે બજેટ વાર્ષિક અંદાજે માત્ર 600 કરોડ હતું.વર્તમાન સરકારે તેમાં રેકોર્ડબ્રેક વધારો કરીને ચાલુ વર્ષે રેલવે વિકાસ માટે ₹10,228 કરોડ ફાળવ્યા છે.રાજસ્થાનના આશરે 450 સ્ટેશનોમાંથી 200 થી વધુ સ્ટેશનો પર પ્લેટફોર્મની ઊંચાઈ વધારવી, શેડ બનાવવા અને આધુનિક સુવિધાઓ ઊભી કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 85 રેલવે સ્ટેશનોને વૈશ્વિક કક્ષાના બનાવવામાં આવી રહ્યા છે, જેમાં જયપુર સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે.
જયપુર સાંસદની માગણીને ધ્યાને રાખીને શરૂ કરાયેલી દરભંગા-અજમેર ટ્રેન જે હાલમાં સાપ્તાહિક (અઠવાડિયામાં એકવાર) ચાલે છે, તેને આગામી બે મહિનામાં દૈનિક (રોજિંદી) સેવામાં ફેરવી દેવામાં આવશે. આ ઉપરાંત બીકાનેર, જયપુર, જોધપુર અને ઉદયપુરથી નવી અમૃત ભારત અને એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરાઈ છે.કેન્દ્ર સરકાર વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વના એવા રાજસ્થાનના સરહદી (બોર્ડર) વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપી રહી છે.
આ સાથે જ જયપુર સ્થિત માલવીય રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (MNIT) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સંબંધિત અત્યાધુનિક પ્રયોગશાળાઓ (લેબ) વિકસાવવામાં આવશે. જયપુરમાં AI ડેટા સેન્ટરનો પણ વિસ્તાર કરાશે, જેથી સ્થાનિક સ્તરે ડિજિટલ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે.

