નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે ‘ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’માં ભારતની વધતી ટેકનોલોજીકલ શક્તિનો સ્વીકાર કરતા એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વના રોકાણકારો માટે હોટસ્પોટ બની રહ્યું છે અને આગામી બે વર્ષમાં દેશના AI અને ડીપ-ટેક ઇકોસિસ્ટમમાં 200 અબજ ડોલર (આશરે રૂ. 16.6 લાખ કરોડ) થી વધુનું રોકાણ આવવાની શક્યતા છે. સમિટ દરમિયાન મંત્રીએ ‘AI નું UPI’ બનાવવાની યોજના જાહેર કરી હતી. જે રીતે UPI એ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવી છે, તેવી જ રીતે આ એક ‘ઓપન પ્લેટફોર્મ’ વ્યવસ્થા હશે. આ પ્લેટફોર્મ પર વિવિધ કંપનીઓ અને ડેવલપર્સ સુરક્ષિત અને ભરોસાપાત્ર AI સોલ્યુશન્સ તૈયાર કરી શકશે.
Nvidia ના CEO જેન્સન હુઆંગની ગેરહાજરી અંગે અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે, “હુઆંગે વ્યક્તિગત રીતે સંપર્ક કરીને અનિવાર્ય કારણોસર હાજર ન રહી શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને તેમના સ્થાને એક વરિષ્ઠ અધિકારીને મોકલ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે Nvidia ભારતીય કંપનીઓ સાથે AI ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે.
ભારત માત્ર એપ્લિકેશન પર જ નહીં, પરંતુ AI ના તમામ પાસાઓ પર ધ્યાન આપી રહ્યું છે. મંત્રીએ AI સ્ટેકના 5 મુખ્ય લેયર્સ પર ભાર મૂક્યો હતો. જેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, કમ્પ્યુટર, ડેટા, મોડલ અને અપ્લિકેશનનો સમાવેશ થાય છે. અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે,”વૈશ્વિક CEO હવે ભારતીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ની ક્ષમતા જોઈને ઉત્સાહિત છે.”
AI ના ફાયદાની સાથે કેન્દ્રીય મંત્રીએ તેના સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, 30 દેશોના મંત્રીઓ સાથે મળીને મીડિયા ક્ષેત્રે AI ના દુરુપયોગને રોકવા માટે મંથન ચાલી રહ્યું છે. ડીપફેક અને સિન્થેટિક કન્ટેન્ટ લોકશાહી અને સર્જનાત્મક ઉદ્યોગો માટે મોટો ખતરો બની શકે છે. ટેકનોલોજીથી થતા નુકસાનને અટકાવવા માટે વૈશ્વિક સ્તરે કડક નિયમો અને સહયોગ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિટમાં 3 લાખથી વધુ યુવાનો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જે દર્શાવે છે કે ભારતની નવી પેઢી AI ક્ષેત્રે નેતૃત્વ લેવા માટે તૈયાર છે. તમામ સત્રો અત્યારે હાઉસફુલ ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ બેંગલુરુમાં આકાર લેશે દેશની પ્રથમ AI સિટી, જાણો સંપૂર્ણ પ્રોજેક્ટ અંગે

