Site icon Revoi.in

AI માનવ ક્ષમતાઓને અનેકગણી વધારશે: નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: રાજધાની દિલ્હીમાં આયોજિત વિશ્વની સૌથી મોટી અને ઐતિહાસિક ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને માનવ ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું હતું. આ પ્રસંગે ગૂગલના CEO સુંદર પિચાઈ, ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વાંગ સહિતના વૈશ્વિક ટેક લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, “AI માત્ર મશીનોને જ ઇન્ટેલિજન્ટ નથી બનાવી રહ્યું, પરંતુ તે માણસની કાર્યક્ષમતાને પણ અનેકગણી વધારશે. જેમ એક સમયે વાયરલેસ સિગ્નલથી દુનિયા કનેક્ટ થઈ હતી, તેમ AI પણ માનવ ઇતિહાસમાં નવો વળાંક લાવશે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે તો માત્ર એક શરૂઆત છે.”

ભારતની ક્ષમતા પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી અને સૌથી મોટા ટેક ટેલેન્ટ પૂલનું કેન્દ્ર છે. પહેલા ટેકનોલોજીની અસર દેખાતા દાયકાઓ લાગતા હતા, પરંતુ આજે મશીન લર્નિંગની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે. દુનિયાના યુવાનો જે રીતે AI ને અપનાવી રહ્યા છે અને તેની ઓનરશીપ લઈ રહ્યા છે તે કાબિલે તારીફ છે.

પીએમ મોદીએ એક સુંદર ઉદાહરણ આપતા કહ્યું કે, “AI ને આપણે ખુલ્લું આકાશ આપવું જોઈએ, પરંતુ તેનું કમાન્ડ (નિયંત્રણ) આપણા હાથમાં હોવું જોઈએ, જેમ GPS આપણને રસ્તો બતાવે છે પણ કઈ દિશામાં જવું તે નિર્ણય આપણો હોય છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે માણસ માત્ર ‘ડેટા પોઈન્ટ’ કે ‘કાચો માલ’ બનીને ન રહી જાય.”

વડાપ્રધાને ચેતવણીભર્યા સ્વરે કહ્યું કે આપણી પાસે ન્યુક્લિયર પાવરનું ઉદાહરણ છે, જેનાથી વિનાશ પણ થઈ શકે છે અને સકારાત્મક પ્રદાન પણ મળી શકે છે. આપણે નક્કી કરવાનું છે કે આવનારી પેઢીને આપણે AI નું કેવું સ્વરૂપ સોંપીએ છીએ. તેમણે ‘સ્કિલિંગ’ અને ‘રીસ્કિલિંગ’ ને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ અમેરિકા અને રશિયા સાથે ત્રિપક્ષીય વાટાઘાટોના પરિણામો સંતોષકારક નથી: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી

Exit mobile version