Site icon Revoi.in

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી તા. 10મી જૂને બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને જરુરી માર્ગદર્શન આપશે.

સુત્રોના જણાવ્યા અનુસાર  ગૃહમંત્રી અમિતભાઈ શાહ શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના સંસદિય મતક્ષેત્ર ગાંધીનગર ઉપરાંત સિધ્ધપુરની મુલાકાત પણ લેશે. આ બે દિવસ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષની ઉજવણીના કાર્યક્રમો તેમજ ભાજપના સંગઠનની બેઠકમાં સામેલ થશે. ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગાંધીનગરમાં અને સિધ્ધપુરમાં કાર્યક્રમોને સંબોધશે. આ ઉપરાંત વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમૂહર્ત કરશે. આગામી વર્ષે રાજ્યમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપા દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓ અંગે માહિતી મેળવશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીને લઈને અમિત શાહની બે દિવસની મુલાકાતમાં ગુજરાત ભાજપા દ્વારા રોડમેપ તૈયાર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવવા માટે ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે. તેમજ ભાજપ દ્વારા કેન્દ્રની મોદી સરકારના નવ વર્ષની સિદ્ધિઓ પ્રજા સુધી પહોંચડવામાં આવી રહી છે.