Site icon Revoi.in

શિયાળામાં સ્વાસ્થ્યનો ખજાનો એટલે આમળાનું ઓઈલ-ફ્રી અથાણું, જાણો રેસીપી

Social Share

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ બજારમાં લીલાછમ આમળાની આવક વધી છે. આયુર્વેદમાં ‘અમૃતફળ’ ગણાતા આમળા માત્ર સ્વાદમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ સાબિત થાય છે. સામાન્ય રીતે અથાણાંમાં તેલનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે આપણે એક એવી રેસીપી વિશે જાણીશું જે તેલ વગર તૈયાર થાય છે.

આમળા: 500 ગ્રામ

તીખાશ માટે: 4-5 લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો (કતરણ)

મસાલા: હળદર, સ્વાદ મુજબ મીઠું

ખટાશ: 2 ચમચી લીંબુનો રસ

સૌપ્રથમ તાજા આમળાને ધોઈ, ઉકળતા પાણીમાં 8 થી 10 મિનિટ માટે બાફવા. ધ્યાન રાખવું કે આમળા વધુ પડતા ગળી ન જાય. જે બાદ આમળા ઠંડા થાય એટલે તેને સહેજ દબાવી તેની કળીઓ અલગ કરી લેવી અને અંદરના બીજ કાઢી નાખવા. આ કળીઓમાં લાંબા સમારેલા મરચાં, આદુની કતરણ, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું. સ્વાદ મુજબ લીંબુનો રસ પણ ઉમેરી શકાય. તૈયાર મિશ્રણને કાચની સ્વચ્છ બરણીમાં ભરી લેવું. અથાણાને રસાદાર રાખવા માટે આમળા બાફેલા પાણીનો જ (ઠંડુ કરીને) થોડો ઉપયોગ કરવો. બરણીને ઢાંકીને 2 થી 3 દિવસ સુધી તડકામાં અથવા ગરમ જગ્યાએ રહેવા દેજો. ત્રીજા દિવસે આમળા મસાલામાં બરાબર મેરીનેટ થઈ જશે અને ખાવા માટે તૈયાર થઈ જશે.

આ અથાણું તેલ વગરનું હોવાથી લાંબો સમય સાચવવા માટે તમે તેને રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકો છો. સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ એવી આ વાનગી શિયાળામાં દરેક ગૃહિણીના રસોડાની શાન બની શકે છે.

આ પણ વાંચોઃટિફિન ટેન્શન સોલ્વ: બાળકો માટે ઝટપટ તૈયાર કરો સુપરફૂડ એવોકાડો ટોસ્ટ

Exit mobile version