Site icon Revoi.in

જૈનોને બદનામ કરવાનો એક અમેરિકી યુનિવર્સિટીનો પ્રયાસઃ જાણો શું છે મામલો?

Stanford University

Stanford University

Social Share

સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાઃ 3 ફેબ્રુઆરી, 2026 – An American university’s attempt to defame Jains અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડસ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હાલ જૈન સમુદાય સંદર્ભે વિવાદનું કેન્દ્ર બની છે. કેમ્પસની એક એવી વાત યુનિવર્સિટીની બહાર સુધી ફેલાઈ છે જેને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ધાર્મિક સવલતો અને કેમ્પસમાં જમવાના વધતા ખર્ચ પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.

આ સમગ્ર વિવાદ જૈન વિદ્યાર્થીઓ વિશેનો એ દાવો છે કે જેને કારણે યુનિવર્સિટીના સમાનતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. યુનિવર્સિટીના તંત્રની જ કોઈ વ્યક્તિ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સ્ટેનફોર્ડના ‘ફરજિયાત મીલ પ્લાન’ (ભોજન યોજના) માંથી મુક્તિ મેળવવા માટે પોતાની ઓળખ ‘જૈન’ તરીકે આપે છે. આનાથી તેમને ભોજન માટેના ફંડનો ઉપયોગ કેમ્પસના ડાઇનિંગ હૉલને બદલે બહારથી ગ્રોસરી-ખાદ્યસામગ્રી ખરીદવા માટે  છૂટ મળે છે. જોકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ પોતે હજુ સુધી આ બાબતની પુષ્ટિ કે ખંડન કરતો કોઈ ડેટા જાહેર કર્યો નથી.

ચર્ચાની શરૂઆત કેવી રીતે થઈ?

સ્ટેનફોર્ડના એક વિદ્યાર્થી સેબેસ્ટિયન કોનોલીએ ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો ત્યારે આ મુદ્દો સૌના ધ્યાનમાં આવ્યો. સેબેસ્ટિયને કેમ્પસની એવી સંસ્કૃતિનું વર્ણન કર્યું જેમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નીતિઓનો લાભ લેવા અથવા તેનો દુરુપયોગ કરવા માટેની વ્યૂહરચનાઓ એકબીજા સાથે શૅર કરે છે.

કોનોલીએ ઉદાહરણ આપતા લખ્યું કે વિદ્યાર્થીઓ જૈન ધર્મ પાળતા હોવાનો દાવો કરીને ફરજિયાત ડાઇનિંગ ખર્ચથી બચી શકે છે. તેમનો આ લેખ વ્યક્તિગત અવલોકન અને સાથી મિત્રો સાથેની વાતચીત પર આધારિત હતો, કોઈ સત્તાવાર ડેટા પર નહીં. ત્યારબાદ X (ટ્વિટર) પર એક પોસ્ટ વાયરલ થઈ જેમાં લખ્યું હતું કે, “વિદ્યાર્થીઓ જૈન હોવાનો ઢોંગ કરી રહ્યા છે જેથી તેઓ મીલ પ્લાનના પૈસા કેન્ટીનને બદલે હોલ ફૂડ્સ (Whole Foods) માં વાપરી શકે.”

જૈન ધર્મ અને આહારના નિયમો

જૈન ધર્મ ‘અહિંસા’ના સિદ્ધાંત પર આધારિત છે. અનેક જૈનો અત્યંત ચુસ્ત શાકાહારી આહારનું પાલન કરે છે, જેમાં માંસ, માછલી અને ઈંડા તો ઠીક, પણ ડુંગળી, લસણ અને બટાકા જેવા કંદમૂળનો પણ ત્યાગ કરવામાં આવે છે, કારણ કે તેનાથી છોડનો નાશ થાય છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોને નુકસાન પહોંચે છે.

આવી જટિલ આહાર જરૂરિયાતોને કેમ્પસની સામાન્ય ડાઇનિંગ સિસ્ટમમાં પૂરી કરવી મુશ્કેલ હોવાથી, સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીઓ ધાર્મિક આધારે વિશેષ છૂટછાટ આપે છે. જે વિદ્યાર્થીઓ આમાં લાયક ઠરે, તેમને ટ્રેડિશનલ મીલ પ્લાનમાંથી બહાર નીકળવાની અથવા યુનિવર્સિટીની બહાર ભોજનના ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે.

મોંઘા મીલ પ્લાન અને પારદર્શિતાનો અભાવ

સ્ટેનફોર્ડના કેમ્પસમાં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મીલ પ્લાન લેવો ફરજિયાત છે, જેનો વર્તમાન ખર્ચ શૈક્ષણિક વર્ષ દીઠ અંદાજે USD 7,944 (લગભગ 6.60 લાખ રૂપિયા) છે.

યુનિવર્સિટી કહે છે કે ધાર્મિક કે તબીબી કારણોસર આમાંથી મુક્તિ મળી શકે છે, પરંતુ કેટલા વિદ્યાર્થીઓને આવી છૂટ મળી છે અથવા તેની ચકાસણી કેવી રીતે થાય છે, તે અંગેની માહિતી જાહેર કરવામાં આવતી નથી. આ પારદર્શિતાના અભાવને કારણે જ આ અફવા છે કે સત્ય તે જાણવું મુશ્કેલ બન્યું છે.

વ્યાપક અસરો

આ વિવાદ ઓનલાઈન ઘણો વાયરલ થયો છે, કારણ કે તે વધતી જતી ટ્યુશન ફી, મોંઘા મીલ પ્લાન અને જમવાની ઘટતી ગુણવત્તા સામેના અસંતોષ સાથે જોડાયેલો છે. કેટલાક માને છે કે વિદ્યાર્થીઓ પરના આર્થિક દબાણનું આ પરિણામ છે.

બીજી તરફ, કેટલાક લોકો ચેતવણી આપી રહ્યા છે કે ‘દુરુપયોગ’ની આ ચર્ચાને કારણે ભવિષ્યમાં એવા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે જેમને ખરેખર ધાર્મિક કારણોસર વિશેષ આહારની જરૂર છે. અંતે, આ કિસ્સો યુનિવર્સિટીઓ સામે એક મોટો પડકાર ઊભો કરે છે કે વધતા ખર્ચ વચ્ચે ધાર્મિક સ્વતંત્રતા અને સંસ્થાકીય અખંડિતતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું?

આ પણ વાંચોઃ આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

Exit mobile version