Site icon Revoi.in

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક પરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ ઘણાં દશકાઓથી ફૂલપુરથી કોંગ્રેસને જીત મળી નથી. 1971માં વિશ્વનાથ પ્રતાપ સિંહ અને બાદમાં 1984માં રામપૂજન પટેલ અહીં કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા.

ફૂલપુરને બુદ્ધિજીવીઓનું ક્ષેત્ર કહેવામાં આવે છે. અલ્હાબાદ હાઈકોર્ટ, ટ્રિપલ આઈટી, રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન, અલ્હાબાદ યૂનિવર્સિટી, યુપી લોકસેવા પંચ, અલ્હાબાદ મેડિકલ કોલેજ, મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, પોલિટેક્નિક, ઘણી મોટી કોચિંગ સંસ્થાઓ છે. ચંદ્રશેખર આઝાદના શહીદ સ્થાન અલ્ફ્રેડ પાર્ક જેને કંપની બાગ પણ કહેવામાં આવે છે અને જૂની વિધાનસભા, અલ્હાબાદ મ્યૂઝિમ, શહેરનું કમિશનરેટ, પોલીસ કમિશનર સહીતના તમામ પ્રશાસનિક કાર્યાલયો આ ક્ષેત્રમાં છે. માટે તેને બુદ્ધિજીવીઓનું ક્ષેત્ર કહેવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે નહેરુ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન, કોંગ્રેસના જૂના રાષ્ટ્રીય કાર્યાલય સ્વરાજ ભવન પણ ફૂલપુર મતવિસ્તારમાં આવે છે. બુદ્ધિજીવી વર્ગ આઝાદીના આંદોલન સમયે જ કોંગ્રેસનો પાક્કો સમર્થક ગણાતો હતો. પરંતુ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના નિધન બાદથી ફરી ક્યારેય કોંગ્રેસ અહીંના મતદાતાઓના દિલ જીતી શકી નથી.

લોહિયા, કાંશીરામ, જનેશ્વર મિશ્ર જેવા દિગ્ગજ અહીંથી ચૂંટણી હારી ચુક્યા છે-

ત્યારથી અત્યાર સુધી આ સંસદીય વિસ્તાર પરથી પાર્ટીના કોઈ ઉમેદવાર જીતી શક્યા નથી. નહેરુના વારસાવાળી બેઠક પર કોંગ્રેસનો ક્યારેક એવો પ્રભાવ હતો કે દિગ્ગજ સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયા, બીએસપી સંસ્થાપક કાંશીરામ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જનેશ્વર મિશ્ર જેવા લોકપ્રિય અને જનાધારવાળા નેતાઓને હારનો સામનો કરવો પડયો હતો. તેના સિવાય ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાના પત્ની કમલા બહુગુણા, અપનાદળના નેતા અનુપ્રિયા પટેલના પિતા અને પાર્ટીના સંસ્થાપક સોનેલાલ પટેલ, બાહુબલી નેતા અને માફિયા અતીક અહમદની પણ અહીં ચૂંટણીમાં હાર થઈ ચુકી છે.

40 વર્ષથી કોંગ્રેસના કોઈ ઉમેદવાર અહીંથી જીતી શક્યું નથી-

1984થી હવે 40 વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ કોંગ્રેસને અહીંથી સફળતા મળી નથી. જો કે દરેક વખતે કોંગ્રેસે અહીં જોર લગાવ્યું છે. પરંતુ તે જીત તો દૂર બીજા નંબર પર પણ આવી શકી નથી. કોંગ્રેસ માટે આ બેહદ કઠિન સ્થિતિ છે.

મોદી લહેરમાં ભાજપના કેશવપ્રસાદ મૌર્યે મોટી જીત મેળવી હતી-

2014માં મોદી લહેરમાં યુપીના હાલના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. તેમણે બીએસપીના તત્કાલિન સાંસદ કપિલમુનિ કરવરિયા, સમાજવાદી પાર્ટીના ધર્મરાજ પટેલ અને કોંગ્રેસના ક્રિકેટર ઉમેદવાર મોહમ્મદ કૈફને હરાવીને ત્રણ લાખથી વધુ વોટથી જીત પ્રાપ્ત કરી હતી. જો કે તેના થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ યુપીમાં ભાજપની સરકારમાં કેશવ પ્રસાદ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવી દેવામાં આવ્યા. તેનાથી તેમને ફૂલપુર બેઠક પરથી રાજીનામું આપવું પડયું છે.

2018માં પેટાચૂંટણીમાં ભાજપને થયું હતું નુકશાન-

2018ની પેટાચૂંટણી થઈ હતી, ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાગેન્દ્રસિંહ પટેલે જીત પ્રાપ્ત કરી હતી. પરંતુ આ જીત તેમની એકલાની ન હતી. પેટાચૂંટણીમાં બીએસપીએ સમાજવાદી પાર્ટીને મદદ કરી હતી. નાગેન્દ્રસિંહ પટેલે બીએસપીના સહયોગથી 60 હજાર વોટથી જીત પ્રાપ્ત કરી હતી.

ફૂલપુર લોકસભા મતવિસ્તારમાં પ્રયાગરાજ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો શહર-ઉત્તર, શહેર-પશ્ચિમ, ફુલપુર, ફાફામઉ અને સોરાંવનો સમાવેશ થાય છે. આ તમામ સંપન્ન અને ઉપજાઉ પ્રદેશ છે. આઝાદીના આંદોલન સમયે આ ક્ષેત્ર ઘણું સક્રિય રહ્યું છે. ઘણાં મોટા નેતાઓ અહીંથી નીકળ્યા છે.

આ આખો વિસ્તાર શિક્ષિત વોટરોનો છે. એટલે કે શિક્ષાવિદ્દ, પ્રોફેસર, વકીલ, સાહિત્યકાર, પત્રકાર અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અહીં રહે છે. પરંતુ અહીં મતદાનની ટકાવારી ઘણી ઓછી રહે છે. તે મોટો મુદ્દો છે. શહેરી વિસ્તારોમાં 35 ટકા લોકો જ વોટિંગ કરે છે.