Site icon Revoi.in

23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસઃ મહાન માણસોએ પુસ્તકો વાંચીને જ જીવન સાર્થક કર્યુ

Social Share

અમદાવાદઃ સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયા, ટેલિવિઝન, યુટ્યુબ, ફેઈસબુક, ટ્વિટર વગેરેનો ક્રેઝ વધતા લોકોમાં વાંચન ઘટતું જાય છે. એમાં નવી પેઢીને તો વાંચન ગમતું જ નથી હોતું. જોકે, આજે ઘણા એવા પણ લોકો છે કે, જેમને સારા પુસ્તકો વાંચવા ગમતા હોય છે. સારા વાંચનથી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. ઘણા દિગજ્જ રાજકારણીઓ પણ પોતાના વ્યસ્થ સમયમાં પણ વાંચન માટેનો મસય કાઢી લેતા હોય છે. ઘણા લોકો એવા સાહિત્ય પ્રેમી હોય છે કે તેમને વાંચનનું વળગણ લાગેલુ હોય છે. ઘણા મહાન વ્યક્તિઓએ પુસ્તકમાંથી જ્ઞાનની ઊર્જા પ્રાપ્ત કરીને સમાજને સાચી રાહ ચિંધી છે. જગતના મહાન કવિ અને નાટયકાર વિલિયમ શોકસપિયરનો જન્મ દિવસ અને મૃત્યતિથિ તા.23 એપ્રિલ છે. આથી આ મહાન સાહિત્યકારની સ્મૃતિને જીવંત રાખવા દર વર્ષે 23મી એપ્રિલે વિશ્વભરમાં ‘પુસ્તક દિન’ તરીકે ઉજવાય છે.

પુસ્તકોની દુનિયા અદભૂત હોય છે, જગતભરમાં કેટલાય મહાપુરૂષોના જીવનમાં પુસ્તકોએ એનેરો ફાળો આપ્યો છે. ગાંધીજી આફ્રિકામાં હતા, એ દરમિયાન રસ્કિનનું અન ટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું. એ પુસ્તકની એટલી મોટી અસર થઇ કે, આગળ જતા તેમને મહાત્માનું બિરૂદ અપાવ્યું. સારા પુસ્તકોનો મહિમા જેટલો ગાઇએ એટલો ઓછો છે. આ પુસ્તકો કયારેય દગો દેતા નથી, ઇર્ષા કરતા નથી, ફરિયાદ કરતા નથી. તેથી જ તે માણસના સૌથી મોટા શુભેચ્છકો અને શ્રેષ્ઠ મિત્રો છે. પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે માણસની ચેતનાને સક્રિય કરે છે, અને તેનું વિસ્તરણ કરે છે. સારા પુસ્તકો, વર્તમાન-પત્રો અને સામયિકો સાથેની મિત્રતા જીવન વિકાસમાં મોખરે છે.

પુસ્તક વાચકને તેની અનુકુળતા પ્રમાણે વાંચવાનો અને મનમાં ઉતારવાનો અવકાશ આપે છે. આ રીતે પુસ્તકો કણાગરા અને ધીરજવાન છે. પુસ્તકોને સ્થળકાળના બંધન નથી, તે લેખકના અનુભવનું અને જ્ઞાનનું દોહન છે. પુસ્તક વાંચન માટે યોગ્ય પસંદગી થાય તે ખૂબ જરૂરી છે. જેમા સારા પુસ્તકો આપણને વિકાસના માર્ગે લઇ જાય છે, તેમ ખરાબ પુસ્તકો જીવનના પતનના માર્ગે લઇ જાય છે. કોઇ જ્ઞાન સંપાદન કરવા માટે વાંચે છે. તો વળી, કોઇ આનંદ મેળવવા માટે વાંચે છે. જ્ઞાન માટે વાંચવું એ શ્રેષ્ઠ છે. કોઇ ચિંતકે યથાર્થ જ કહ્યું છે કેટલાક પુસ્તકો પર આંખ ફેરવવી જોઇએ. કેટલાક પુસ્તકોના અભ્યાસ કરવો જોઇએ અને કેટલાક પુસ્તકોનું ફરી ફરી મનન કરવું જોઇએ.

ટેલિવિઝન અને મોબાઇલ ફોનના આગમન પછી લોકોમાં પુસ્તકો વાંચવાનો રસ ઓછો થઇ ગયો છે. આ બન્નેના કેટલાક ફાયદા હોવા છતા સૌથી મોટી મર્યાદા એ છે કે, ટેલિવિઝન અને મોબાઇલને આપણે અનુસરવું પડે છે. જયારે પુસ્તક આપણી અનુકુળતા સાચવે છે. પુસ્તકનો સાચો ઉદ્દેશ્ય માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે.