વજન ઘટાડવાની સફરમાં સૌથી મોટો પડકાર એવો ખોરાક શોધવાનો છે જે સ્વાદિષ્ટ હોય, પ્રોટીનથી ભરપૂર હોય અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જો તમે રોજ-રોજ એ જ બાફેલું ખાણું કે ફિક્કું સલાડ ખાઈને કંટાળી ગયા છો, તો ‘સોયા પરાઠા’ તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન છે. આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન તથા ફાઈબર મળી આવે છે. યોગ્ય રીતે બનાવવામાં આવે તો આ પરાઠાને તમે સવારના નાસ્તામાં, લંચમાં કે ડિનરમાં સરળતાથી સામેલ કરી શકો છો. ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
-
સોયા પરાઠા બનાવવા માટેની જરૂરી સામગ્રી
સોયા ચંક્સ: 1 કપ (બાફેલા અને પીસેલા)
ઘઉંનો લોટ (અથવા મલ્ટિગ્રેન લોટ): 1 કપ
ઝીણી સમારેલી ડુંગળી: 1 નાની
લીલા મરચાં: 1-2 (ઝીણા સમારેલા)
આદુ-લસણની પેસ્ટ: 1 નાની ચમચી
મસાલા: અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી અજમો
ઝીણી સમારેલી કોથમીર: અડધો કપ
મીઠું: સ્વાદાનુસાર
તેલ અથવા ઘી: પરાઠા શેકવા માટે (ખૂબ જ ઓછી માત્રામાં)
સોયા પરાઠા બનાવવાની રીત
સૌથી પહેલા સોયા ચંક્સને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને 10 મિનિટ માટે પલાળી રાખો. જ્યારે તે સોફ્ટ થઈ જાય, ત્યારે તેનું બધું પાણી બરાબર નીચોવી લો. હવે તેને મિક્સરમાં નાખીને સહેજ કરકરા (ખીમા જેવા) પીસી લો. એક પેનમાં માત્ર અડધી ચમચી તેલ ગરમ કરો. તેમાં અજમો, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને સાંતળો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ પીસેલા સોયા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બધું જ 3-4 મિનિટ સુધી સાંતળો અને અંતમાં કોથમીર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
તમારું હાઈ-પ્રોટીન સ્ટફિંગ તૈયાર છે. ઘઉંના લોટમાં થોડું મીઠું અને પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. હવે લોટનો એક લુવો લો, તેને થોડું વણી લો અને વચ્ચે 2 ચમચી સોયાનું સ્ટફિંગ ભરો. તેને ચારે બાજુથી બંધ કરીને પોટલી જેવું બનાવી લો અને સૂકા લોટની મદદથી હળવા હાથે ગોળ પરાઠો વણી લો. ત્યારબાદ તવા પર બિલકુલ ઓછા તેલ કે ઘી સાથે બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
-
સોયા પરાઠા ખાવાના અદ્ભુત ફાયદા
પ્રોટીનનો પાવરહાઉસ: શાકાહારી લોકો માટે સોયાબીનને પ્રોટીનનો સૌથી બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે: આ પરાઠામાં ફાઈબરની માત્રા સારી હોય છે, જેના કારણે તેને ખાધા પછી બપોરના લંચ સુધી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમે ઓવરઇટિંગ (વધુ પડતું ખાવા)થી બચી જાઓ છો.
મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે: હાઈ પ્રોટીન ડાયેટ લેવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપી બને છે, જેનાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન સરળતાથી ઘટે છે.

