Site icon Revoi.in

રાજ્યસભામાં ભાજપ તાકાત વધી, એનડીએ બહુમતની નજીક પહોંચી

Social Share

નવી દિલ્હીઃ એપ્રિલ મહિનામાં ખાલી થનારા રાજ્યસભાની 56 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાએ 30 બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો છે. પાર્ટીએ 20 બેઠકો બિનહરીફ અને 10 બેઠકો વોટીંગ બાદ હાંસલ કરી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. જ્યારે ભાજપાની આગેવાની હેઠળના એનડીએના સભ્યોની સંખ્યા વધીને 117 ઉપર પહોંચી છે. તમામ સભ્યોના શપથ બાદ 240 સભ્યો ધરાવતા સદનમાં એનડીએ બહુમતથી માત્ર ચાર બેઠક દુર રહેશે. જો કે, હાલ રાજ્યસભામાં ભાજપા સૌથી મોટી પાર્ટી તરીકે ઉભી આવી છે. ભાજપાના રાજ્યસભામાં 97 સાંસદ છે જેમાં 7 નામાંકિત સાંસદનો પણ સમાવેશ થાય છે.

રાજ્યસભાની 56 બેઠકો પૈકી 41 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 15 બેઠકો માટે ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં મંગળવારે મતદાન યોજાયું હતું. ભાજપાએ ઉત્તરપ્રદેશમાં 10 બેઠકોમાંથી આઠ, કર્ણાટકમાં ચાર બેઠકોમાંથી એક અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક જીતી હતી. રાજ્યસભામાં ભાજપા બાદ કોંગ્રેસ પાસે સૌથી વધારે બેઠક છે. કોંગ્રેસ પાસે 29, ટીએમસી પાસે 13, ડીએમકે અને આમ આદમી પાર્ટી પાસે 10-10, વાઈએસઆરસીપી પાસે 11, બીજુ જનતાદળ પાસે 9, બીઆરએસ પાસે પાંચ, રાષ્ટ્રીય જનતા દળ પાસે છ, સીપીએમ પાસે પાંચ, અન્નાદ્રમુક અને જનતાદળ યુનાઈટેડના સભ્યોની સંખ્યા 4-4 ઉપર પહોંચશે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના ચાર સભ્યો છે. આવી જ રીતે શિવસેના, સીપીઆઈએમ, સીપીઆઈ, એનસીપી, જેએમએમની પાસે બે-બે બેઠક છે. જ્યારે બીએસપી, એમડીએમકે, કેરલ કોંગ્રેસ એમ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, યુપીપી, તમિલ માનિલા કોંગ્રેસ, આરપીઆઈ, આરએલડી, પત્તલી મક્કલ કાચી, એનપીપી, એમએનએફ, જેડીએસ અને અસમ ગણ પરિષદના સંભ્યોની સંખ્યા એક-એક થશે.