- ‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો અને અન્ય યુવાનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો
[અલકેશ પટેલ] ગાંધીનગર, 2 જુલાઈ, 2026 – ગત એપ્રિલ મહિનાના અંતે પૂરી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી હોવાનું જણાય છે. એક તરફ અન્ય રાજકીય પક્ષો મોટેભાગે વૅકેશન મોડમાં હોય છે અને ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થાય છે, તેથી વિરુદ્ધ ભાજપ સતત સક્રિય અને એક્ટિવ મોડમાં હોય છે.
તેનું જ ઉદાહરણ છે કે, પક્ષના ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વન ડે – વન એસેમ્બલી જેવા એક નવા જ સૂત્ર પક્ષના પાયાના કાર્યકરોને ચેતનવંતા રાખવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.
આ અભિયાન અંતર્ગત જ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે 2જી જુલાઈએ દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ લીમખેડા વિધાનસભાના પ્રવાસ દરમિયાન પીપલોદ ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ‘ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ અભિયાન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ મંડળ-બુથના હોદ્દેદારો ઉપરાંત શક્તિકેન્દ્રની મહિલાઓ સાથે બેઠકો યોજીને તેમની સાથે સંવાદ કરે છે. પક્ષ માટે ઉપયોગી એવું માર્ગદર્શન અને સૂચનો પણ આપે છે.
ભાજપમાં આ પ્રકારની સંગઠનાત્મક માર્ગદર્શન પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે અને તેનું જ પરિણામ છે કે, રાજ્યમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરેથી માંડીને શહેરો સુધીની બેઠકો ઉપર 90 ટકા કરતાં વધુ બેઠકો જીતીને સફળતા હાંસલ કરી હતી.
આ અવસરે શ્રી વિશ્વકર્માએ યુવાનોની શક્તિ, પ્રતિભા તથા સકારાત્મક વિચારસરણીને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનો મજબૂત આધાર ગણાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રીશ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત આગેવાનો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

