Site icon Revoi.in

અમેરિકા-ઈરાન વાટાઘાટોથી બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નીચે, વૈશ્વિક બજારને મોટી રાહત

Social Share

નવી દિલ્હી, 25 મે 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં મોટી સફળતા મળવાની આશા વચ્ચે સોમવારે વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં લાંબા સમય સુધી સપ્લાય ખોરવાઈ જવાની આશંકાઓ ઓછી થતાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટીને બે સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત 6 ટકા જેટલી તૂટીને પ્રતિ બેરલ 100 ડોલરની નીચે આવી ગઈ છે. તેવી જ રીતે, અમેરિકાના વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડના ભાવમાં પણ 6ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તે શરૂઆતના વેપારમાં 90.33 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું.

બંને બેન્ચમાર્ક માટે મે મહિનાની શરૂઆત પછીનું આ સૌથી નીચું સ્તર છે. નોંધનીય છે કે, ચાલુ મહિનાની શરૂઆતમાં વૈશ્વિક સપ્લાયના જોખમોને કારણે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 115 ડોલરની ટોચે પહોંચી ગયું હતું. જોકે, 4 મેથી 25મે દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં આશરે 15 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ તેલના ભાવ આસમાને પહોંચ્યા

તાજેતરમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ તેલના ભાવ આસમાને પહોંચ્યા હતા. પરંતુ તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે પ્રાદેશિક તણાવ ઓછો કરવા અને ‘હોર્મુઝની સામુદ્રધુની’ને ફરીથી ખોલવા માટે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે શાંતિ કરાર અંગે બંને દેશો વચ્ચે “મોટાભાગે વાટાઘાટો” થઈ ચૂકી છે. જોકે, આ વાટાઘાટો અંગે હજી પણ અનિશ્ચિતતા યથાવત છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કેટલાક મહત્વના મુદ્દાઓ હજી ઉકેલવાના બાકી છે અને અમેરિકા આ કરારને આખરી ઓપ આપવામાં કોઈ ઉતાવળ કરી રહ્યું નથી.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમેરિકા-ઈરાન ડીલની અપેક્ષાઓ વચ્ચે ક્રૂડ તેલના ભાવ 100 ડોલરની નીચે સરક્યા છે, જે જો લાંબો સમય ટકી રહેશે તો વૈશ્વિક બજારો માટે એક મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ શકે છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ એ વિશ્વનો સૌથી વ્યૂહાત્મક ઉર્જા માર્ગ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં સંઘર્ષના કારણે સપ્લાય ખોરવાઈ તે પહેલાં, વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસના પુરવઠાનો આશરે પાંચમો ભાગ આ જ માર્ગ પરથી પસાર થતો હતો. આથી જ વૈશ્વિક બ્રોકરેજ હાઉસે ચેતવણી પણ આપી છે કે જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો બજાર ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Exit mobile version