Site icon Revoi.in

હોર્મુઝની સુરક્ષા માટે બ્રિટન અને ફ્રાન્સનું માસ્ટર પ્લાનિંગ, અમેરિકા-ઈરાનને દૂર રખાયાં

Social Share

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: મધ્ય પૂર્વના સંઘર્ષ બાદ બદલાતા જતા વૈશ્વિક સમીકરણો વચ્ચે યુરોપિયન દેશોએ એક મોટું પગલું ભર્યું છે. ઈરાન સાથેના સંઘર્ષ બાદ, ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં આવેલા પરિવર્તનને પગલે યુરોપ હવે અમેરિકાની સીધી સંડોવણી વગર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં શિપિંગ સુરક્ષિત કરવા માટેના પ્લાન પર કામ કરી રહ્યું છે. બ્રિટન અને ફ્રાન્સની આગેવાની હેઠળના આ પ્રસ્તાવ મુજબ, યુદ્ધ સમાપ્ત થયા પછી આ જળમાર્ગમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે એક વિશાળ ગઠબંધન બનાવવામાં આવશે.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ મિશનમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયેલ અને ઈરાન જેવા ‘યુદ્ધખોર’ પક્ષોને બાકાત રાખવામાં આવશે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે આ મિશન ‘રક્ષણાત્મક’ હશે. યુરોપિયન જહાજો અમેરિકન કમાન્ડ હેઠળ કામ કરશે નહીં. જર્મની પણ આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જે સુરક્ષા અને સર્વેલન્સ (નિરીક્ષણ) ક્ષેત્રે મદદ કરશે.

પ્લાનના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો રહેશે, જે અનુસાર, હોર્મુઝની ખાડીમાં અટવાયેલા સેંકડો જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે માટે વ્યવસ્થા કરવી. સંઘર્ષ દરમિયાન ઈરાન દ્વારા આ જળમાર્ગમાં નાખવામાં આવેલી સુરંગોને દૂર કરવી. તેમજ વાણિજ્યિક જહાજોને સુરક્ષિત પસાર કરવા માટે નૌકાદળની દેખરેખ અને સુરક્ષા પુરી પાડવાનો સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવ અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા જતા અંતરને દર્શાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન સાથીઓને બળપ્રયોગ દ્વારા આ જળમાર્ગ ખોલવા વિનંતી કરી છે. જ્યારે યુરોપિયન નેતાઓએ આ પગલાનો વિરોધ કર્યો છે. તેઓ માને છે કે બળપ્રયોગ કરવાથી સંઘર્ષ વધી શકે છે અને જહાજો પર મિસાઇલ હુમલાનું જોખમ વધી શકે છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વના કુલ તેલનો આશરે પાંચમો ભાગ પસાર થાય છે. ભારત અને ચીન જેવા મોટા તેલ આયાતકારો માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ચર્ચામાં ભારત અને ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જોકે તેઓ તેમાં જોડાશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ યોજના દર્શાવે છે કે યુરોપ હવે વૈશ્વિક વેપાર માર્ગોની સુરક્ષા માટે અમેરિકાના સૈન્ય નેતૃત્વ પર નિર્ભર રહેવાને બદલે પોતે જવાબદારી લેવા તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ તેહરાનને બેઠું થતા 20 વર્ષ લાગશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Exit mobile version