તેહરાનને બેઠું થતા 20 વર્ષ લાગશે: ડોનાલ્ડ ટ્રમ્પ
ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે “લગભગ પૂર્ણતાના આરે” છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા અત્યારે જ યુદ્ધ રોકીને પાછું હટી જાય, તો પણ ઈરાનને પોતાનું અસ્તિત્વ ફરી બેઠું કરવામાં અને દેશના પુનઃનિર્માણમાં 20 વર્ષ જેટલો લાંબો સમય લાગી જશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાન પર લાદેલી નાકાબંધીના સફળ પરિણામો જાહેર કર્યા છે. ટ્રમ્પના આદેશ બાદ લાદવામાં આવેલી નાકાબંધીના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી તમામ હિલચાલને સંપૂર્ણપણે ઠપ કરી દીધી છે.
અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ નાકાબંધી દ્વારા તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા અન્ય દેશોના જહાજો માટે સુરક્ષિત માર્ગ અને ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ સુનિશ્ચિત કરી રહ્યા છે. ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મને લાગે છે કે આ જંગ હવે પૂરો થવા આવ્યો છે. હા, હું જોઈ રહ્યો છું કે આપણે અંતની ઘણી નજીક છીએ.”


