ચેન્નાઈ, 26 ઓક્ટોબર 2026: તમિલનાડુમાં ભારતીય સેનાના એક સેવાનિવૃત્ત અધિકારી સામે દેશના સેના દળ સાથે દ્રોહ કરવા અને ગુપ્ત માહિતી દુશ્મનો સુધી પહોંચાડવા અંગેનો ગંભીર માહોલ સામે આવ્યો છે. વેલોર જિલ્લાના રહેવાસી અને ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન બાબુ (52) ને સેનાના સાધનો અને ગોપનીય માહિતી વોટ્સએપ દ્વારા એક અજ્ઞાત મહિલાને મોકલવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા બે દિવસની કડક પૂછપરછ બાદ શનિવારે રાત્રે આરોપીને વેલોર પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આરોપી બાબુએ ભારતીય સેનાની વિવિધ એકમોમાં 28 વર્ષ સુધી લાંબી સેવાઓ આપી હતી. તે સેનાની ઇક્વિપમેન્ટ બ્રાન્ચમાં કેપ્ટન પદ પરથી ગયા વર્ષે જ નિવૃત્ત થયો હતો અને પોતાના વતન પરત ફર્યો હતો. નિવૃત્તિ બાદ આશરે એક વર્ષ પહેલાં એક અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના માધ્યમથી તેનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ મિત્રતા કેળવીને ધીમે-ધીમે તેની પાસેથી સેનાની ગુપ્ત માહિતીઓ માંગવાનું શરૂ કર્યું હતું.
તપાસમાં ખુલાસો થયો છે કે મહિલાની જાળમાં ફસાયા બાદ બાબુ છેલ્લા એક વર્ષથી તેને સેનાની અત્યંત ગુપ્ત બાબતો મોકલી રહ્યો હતો. એટલું જ નહીં, જે બાબતોની જાણકારી તેની પાસે સીધી નહોતી હોતી, તે તે અંગે સેનાની વિવિધ ઓફિસોમાં ફોન કરીને માહિતી મેળવતો અને ત્યારબાદ તે વિગતો અજ્ઞાત મહિલાને ફોરવર્ડ કરતો હતો. જો કે, સેનાની આંતરિક સુરક્ષા પ્રણાલીને આ શંકાસ્પદ ગતિવિધિઓ બાબતે ભાસ થતાં જ ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી અને રિટાયર્ડ કેપ્ટનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
-
હનીટ્રેપની શક્યતા અને વિદેશી કનેક્શનની તપાસ
જાસૂસીના આ પ્રકરણમાં હાલમાં સત્તાવાર રીતે ‘હનીટ્રેપ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તમામ પાસાઓ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરનાર મહિલાની અસલી ઓળખ શું છે, તેમજ આની પાછળ કોઈ વિદેશી નાગરિક કે વિદેશી ગુપ્તચર સંસ્થા (સંગઠન) નો હાથ છે કે નહીં, તે દિશામાં એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


