નવી દિલ્હી, 23 ઓક્ટોબર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે ‘ચિન્મય અમૃત મહોત્સવ ગ્લોબલ સંમેલન’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદજી સાથેની પોતાની જૂની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, ગુરુદેવ સાથેની મુલાકાત બાદ જ લોકોએ તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી અને ત્યારથી લઈને છેલ્લા 25 વર્ષોથી તેઓ સરકારના વડા તરીકે દેશની સેવા કરી રહ્યા છે. કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી અત્યંત ભાવુક નજરે પડ્યા હતા. તેમણે કહ્યું કે, “આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી મારા હૃદયની ભાવનાઓ વધુ જીવંત થઈ ઉઠી છે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીને આ સ્વરૂપમાં જોવાનો અને તેમના હોલોગ્રામ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો, ત્યારે મને એવું લાગ્યું કે જાણે હું ૩૩ વર્ષ પાછળ સમયમાં ચાલ્યો ગયો છું.”
વડાપ્રધાને 1993ના સંસ્મરણો તાજા કરતા ઉમેર્યું કે, “1993 માં વડોદરામાં ગુરુદેવ સાથેની મારી મુલાકાત, અમારી વાતચીત, તેમનો સ્નેહ અને આશીર્વાદ બધું જ મારી આંખો સામે તદ્દન સ્પષ્ટ થઈ ગયું. એક ક્ષણ માટે મને એવો અહેસાસ થયો કે હું ફરીથી તેમના પ્રત્યક્ષ સાનિધ્યમાં છું. મને આ અદ્ભુત અનુભવ કરાવવા બદલ હું ચિન્મય મિશનના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું.” ગુરુદેવ સાથેની છેલ્લી મુલાકાતને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે થયેલી ગંભીર ચર્ચાનો મુખ્ય વિષય ‘યુવા શક્તિનું નિર્માણ’ અને તેના દ્વારા મજબૂત તથા સક્ષમ ભારતના નિર્માણનો હતો. આ સમગ્ર સફરમાં ગુરુદેવના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહ્યા છે તેમ તેમણે ગર્વપૂર્વક જણાવ્યું હતું.
-
ત્રણ દિવસીય સંમેલનમાં 9000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે
દેશના અમૃતકાળનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે આપણે આ અવસરને માત્ર ‘વિકસિત ભારત’ના વિઝનને પ્રેરિત કરવા પૂરતો સીમિત ન રાખતા, પરંતુ ભારતની તે ભાવનાને પણ ઉજાગર કરવી જોઈએ જે અમર વિચારો સાથે જીવવાનું જાણે છે. 23 થી 25 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય ભવ્ય સંમેલનમાં ભારત તેમજ વિદેશોમાંથી 9000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ આયોજન ‘ચિન્મય મિશન’ના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વર્ષભર ચાલનારા સમારોહનું સમાપન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ચિન્મય મિશન’ એક વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન છે, જેની સ્થાપના 1951 માં સ્વામી ચિન્મયાનંદ દ્વારા કરવામાં આવી હતી, જેથી વેદાંત અને ભગવદ્ ગીતાનું જ્ઞાન જન-જન સુધી પહોંચાડી શકાય. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ મિશને આધ્યાત્મિક શિક્ષણ, સાંસ્કૃતિક સંરક્ષણ, યુવા સશક્તિકરણ અને સામુદાયિક સેવાના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્યો કર્યા છે.


