Site icon Revoi.in

બંગાળ સરહદ ઉપર તાર ફેંસિંગ માટે BSF ને જમીન અપાશે, શુભેન્દુ અધિકારી સરકારનો નિર્ણય

Social Share

કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ‘નવાન્ન’ (સચિવાલય) ખાતે મળેલી આ બેઠકમાં પ્રશાસનિક સુધારા, સીમા સુરક્ષા અને લોકકલ્યાણકારી યોજનાઓને લઈને અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે રાજ્યમાં ‘સુશાસન, સુરક્ષા અને વિકાસ’નો નવો યુગ શરૂ થયો છે.

રાજ્યના બેરોજગાર યુવાનોને મોટી રાહત આપતા શુભેન્દુ સરકારે સરકારી નોકરીઓમાં અરજી કરવાની મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી લાખો યુવાનોને ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસવાની તક મળશે. મમતા સરકાર દરમિયાન જે યોજનાઓ અટકેલી હતી તેને હવે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ હવે સત્તાવાર રીતે આયુષ્માન ભારત યોજના સાથે જોડાશે, જેનાથી ગરીબ પરિવારોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળશે. પીએમ કિસાન વીમા યોજના, વિશ્વકર્મા યોજના અને ઉજ્જવલા યોજના જેવી કેન્દ્રીય યોજનાઓને રાજ્યમાં ઝડપથી લાગુ કરવા જિલ્લા કલેક્ટરોને આદેશ અપાયા છે.

રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપતા કેબિનેટે BSF (સીમા સુરક્ષા દળ) ને જરૂરી જમીન સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને 45 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે અગાઉની સરકાર પર ઘૂસણખોરોને રક્ષણ આપવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. શુભેન્દુ અધિકારીએ સંઘર્ષ દરમિયાન જીવ ગુમાવનારા ભાજપના 321 કાર્યકરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જાહેરાત કરી કે જો પીડિત પરિવારો ઈચ્છશે તો સરકાર આ હત્યાકાંડોની નવેસરથી તપાસ શરૂ કરશે. રાજ્યમાં હિંસા ફેલાવનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે.

રાજ્યના આઈએએસ અધિકારીઓને કેન્દ્રીય તાલીમ પ્રણાલી સાથે જોડવામાં આવશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા મુજબ વહીવટી માળખાને સજ્જ કરવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ‘લક્ષ્મી ભંડાર’ જેવી જૂની કલ્યાણકારી યોજનાઓ બંધ નહીં થાય, પરંતુ હવે મૃત વ્યક્તિઓ કે ગેરકાયદેસર ઘૂસણખોરોને તેનો લાભ નહીં મળે. માત્ર ભારતીય નાગરિકોને જ પારદર્શક રીતે લાભ અપાશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર ડર બહાર અને ભરોસો અંદરના મંત્ર સાથે કામ કરશે. બંગાળ હવે વડાપ્રધાન મોદીના વિઝન મુજબ વિકાસના પથ પર આગળ વધશે.”

Exit mobile version