આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે અજાણતા જ એવી વસ્તુઓનું સેવન કરી રહ્યા છીએ જે જોવામાં આકર્ષક અને સ્વાદમાં મીઠી લાગે છે, પરંતુ અંદરથી આપણા શરીરને ખોખલું કરી રહી છે. નિષ્ણાતોના મતે ખાંડ તો નુકસાનકારક છે જ, પરંતુ ડાયટમાં સામેલ અન્ય 4 સફેદ વસ્તુઓ પણ ‘ઝેર’ થી ઓછી નથી. વધતું વજન, બ્લડ પ્રેશર અને નબળું પાચન એ વર્ષોની ખોટી ખાણીપીણીનું પરિણામ છે.
મેયોનીઝ : હાઈ કોલેસ્ટ્રોલનું ઘર
આજકાલ સ્ટ્રીટ ફૂડ હોય કે ઘરનો નાસ્તો, મેયોનીઝનો ઉપયોગ વધ્યો છે. તે તેલ, ઈંડાની જરદી અને વિનેગરથી બને છે. તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. NCBI ના રિપોર્ટ અનુસાર, મેયોનીઝના વધુ પડતા સેવનથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને બાળકોમાં સ્થૂળતા ની સમસ્યા સર્જાય છે.
સફેદ ચોખા : વધારી શકે છે શુગર લેવલ
ભારતીય ઘરોમાં સફેદ ચોખા મુખ્ય ખોરાક છે, પરંતુ તેની પ્રક્રિયા દરમિયાન ફાઈબર નીકળી જાય છે. સફેદ ચોખામાં હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને વધુ કેલરી હોય છે. હેલ્થલાઇનના રિપોર્ટ મુજબ, દરરોજ સફેદ ચોખા ખાવાથી બ્લડ શુગર અચાનક વધી શકે છે અને હૃદયની બીમારીઓનું જોખમ રહે છે.
વ્હાઇટ બ્રેડ : કિડની પર પણ કરી શકે છે અસર
સવારના નાસ્તામાં બ્રેડ-બટર ખાનારા લોકોએ સાવધ રહેવાની જરૂર છે. તે મેંદો, રિફાઈન્ડ ઓઈલ અને પ્રિઝર્વેટિવ્સથી બને છે. તે લોહીમાં શર્કરાને ઝડપથી વધારે છે અને લાંબા ગાળે કિડનીને નુકસાન પહોંચાડવાનું જોખમ પણ ઉભું કરે છે.
મેંદો : સૌથી ખતરનાક સફેદ ઝેર
મોમોઝ, નૂડલ્સ કે પિઝાના શોખીનો માટે મેંદો સૌથી વધુ ઘાતક છે. સિનિયર ડાયટિશિયન ગીતિકા ચોપરા જણાવે છે કે, મેંદામાં કોઈ પોષક તત્વો હોતા નથી. તે આંતરડામાં ચોંટી જાય છે , પેટની આસપાસ ચરબી વધારે છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.
નિષ્ણાતની સલાહ
સ્વસ્થ રહેવા માટે સફેદ વસ્તુઓના બદલે બ્રાઉન રાઈસ, મલ્ટિગ્રેન બ્રેડ અને ગોળ જેવી વસ્તુઓનો વિકલ્પ અપનાવવો જોઈએ. યાદ રાખો, આજનો સ્વાદ આવતીકાલની મુસીબત ન બને!

