Site icon Revoi.in

સ્કૂલમાં ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફરીથી લેવાશે સહમતિ પત્ર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે અને સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ કરવાની માંગણી કરી રહ્યાં છે. જો કે, હાલ ઓફલાઈન વર્ગો બંધ કરવાનું સરકારનું કોઈ આયોજન નથી. એટલું જ નહીં શાળાઓમાં કોરોના પ્રોટોકલ જળવાઈ તે માટે ખાસ ડ્રાઈવ યોજવા ડીઈઓ તથા કલેક્ટર તંત્રને જણાવાયું છે. આ ઉપરાંત ઓફલાઈન વર્ગોમાં હાજર રહેનારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફરીથી સહમતિ પત્ર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટની મુલાકાત દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે. પરંતુ હજુ પણ કોઇ વાલીઓને તેમના બાળકોની ચિંતા હોય તે સ્વાભાવિક છે અને સરકાર તેમાં કોઇ કડક વલણ અપનાવવા માગતી નથી. રાજ્યની શાળાઓમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા આવશે. હવે બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ પાસેથી પુન: સંમતિ પત્ર લેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાને લઈને સરકાર સંપૂર્ણપણે સજાગ છે. કોરોના વધે નહીં તે માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે પણ જોવાઈ રહ્યું છે તે વચ્ચે ઓનલાઈન અને ઓફલાઈન બંને શિક્ષણ ચાલુ રહેશે અને શાળાઓને પણ તે સૂચના આપી દેવાઇ છે. કલેક્ટર તથા ડીઈઓ દ્વારા વારંવાર ખાસ ડ્રાઈવ કરીને શાળાઓમાં કોરોના પ્રોટોકોલ અંગેની જોગવાઈનું પાલન થાય તે પણ નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને શાળા સંચાલકો સાથે પણ સરકાર પરામર્શ કરીને નવી પરિસ્થિતિથી સતત વાકેફ છે.

રાજ્ય સરકારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા બોર્ડની પરીક્ષા તા. 14મી માર્ચના રોજ યોજાવાની હતી. જો કે, વિદ્યાર્થીઓને પુરતો સમય મળી રહે તે માટે પરીક્ષા પાછી ઠેલીને હવે 18મી માર્ચના પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખમાં પણ લંબાવાઈ છે.