Site icon Revoi.in

રામ મંદિરની 200 ચાંદીની ઈંટોનો વિવાદ શમ્યો: સિંધી સમાજને ટ્રસ્ટના સ્પષ્ટીકરણ પર સંતોષ

Social Share

અયોધ્યા,  11 જુલાઈ, 2026: શ્રીરામ જન્મભૂમિ મંદિરને દાનમાં આપવામાં આવેલી 200 ચાંદીની ઈંટોને લઈને તાજેતરમાં ઊભા થયેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલા સત્તાવાર સ્પષ્ટીકરણ પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગઠને ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીને પત્ર લખીને જણાવ્યું છે કે ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીથી તમામ દાનવીરો સંતુષ્ટ છે અને હવે આ બાબતે કોઈ વધારાની માહિતીની જરૂર નથી.

આ પત્ર ટ્રસ્ટ દ્વારા 1 જુલાઈ 2026 ના રોજ મોકલવામાં આવેલા જવાબના સંદર્ભમાં લખવામાં આવ્યો છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લાયન ડૉ. રાજુ મનવાનીએ પત્રમાં જણાવ્યું હતું કે, સિંધી સમુદાયના 200 સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલી ૨૦૦ ચાંદીની ઈંટો અંગે ટ્રસ્ટે વિગતવાર માહિતી પૂરી પાડી છે, જે બદલ સમગ્ર સમુદાય આભાર વ્યક્ત કરે છે. પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ 200 દાનકર્તાઓએ ચાંદીની ઈંટોની ચુકવણી સીધી સંબંધિત ઝવેરીને કરી હતી અને દરેક દાનકર્તાને તેની પાકી રસીદ પણ આપવામાં આવી હતી. સંગઠને તમામ 200 દાનકર્તાઓની યાદી તેમના સંપર્ક નંબરો, 35 ભારતીય શહેરો અને 17 દેશોની વિગતો સાથે ટ્રસ્ટને સોંપી દીધી છે.

વિશ્વ સિંધી સેવા સંગમે ટ્રસ્ટને વિનંતી કરી છે કે આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 માં કોઈ અનુકૂળ તારીખે તમામ 200 દાનકર્તાઓને સામૂહિક રીતે શ્રીરામ મંદિરના દર્શન કરવાની વિશેષ મંજૂરી આપવામાં આવે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમુદાયના મોટાભાગના સભ્યો હજુ સુધી અયોધ્યા આવી શક્યા નથી, તેથી તેઓ એકસાથે પ્રભુ શ્રીરામના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે.

Exit mobile version