Site icon Revoi.in

COP26: PM મોદી પહેલીવાર નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ નજીકના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને મહામારીમાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાથે તેમની આ પ્રથમ મુલાકાત છે. આ બેઠક ગ્લાસગોમાં જળવાયું પરિવર્તન પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સની બાજુમાં થઈ હતી.

ભારતે ‘સ્મોલ આઇલેન્ડ કન્ટ્રીઝ માટે રેઝિલિએન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (IRIS) પહેલ શરૂ કર્યા પછી આ બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ કોવિડ-19 મહામારી સામે ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ મહામારીની સ્થિતિમાંથી બહાર આવવા માટે સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા છે. સોમવારે, વડાપ્રધાન મોદીએ COP26 જળવાયું શિખર સંમેલન દરમિયાન દેઉબા સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરી હતી. દેઉબા સાથેનો ફોટો શેર કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘ગ્લાસગોમાં વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી. એ મહત્વપૂર્ણ છે કે, અમે સતત વિકાસ માટે સાથે મળીને કામ કરતા રહીએ.તેમણે હિમાલયના પ્રદેશમાં આબોહવા પરિવર્તનના જોખમને યોગ્ય રીતે દર્શાવ્યું છે.