Site icon Revoi.in

આણંદ, કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઉછાળો,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે તો નાના શહેરોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની તુલનાએ આ વખતે બમણી ઝડપે કેસો આવતાં સરકાર પણ દવાઓ, બેડ, ઈન્જેક્શનનો સ્ટોક કરી રાખ્યો છે. હાલ રાજ્યના આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગર જિલ્લામાં નવા કેસો રોકેટની ઝડપે વધી રહ્યા છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્રએ કડક નિયંત્રણો લાદવા જોઈએ. તેવી માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.  21થી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં 28 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, કચ્છમાં 23 કેસ, ખેડામાં 26 કેસ, વલસાડમાં 33 કેસ, નવસારીમાં 21 કેસ નોંધાયા હતા, જ્યારે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે 6 દિવસમાં આ જિલ્લાઓમાં અનુક્રમે 138, 101, 85, 124, 90, 65 કેસ નોંધાયા છે, જે 4 ગણાથી લઈને 27 ગણા સુધીનો વધારો દર્શાવે છે. જે જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહતો, ત્યાં પણ કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. લોકો હજુપણ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો કેસમાં વધારો થવાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં વધતા કેસોની વાત કરીએ તો ભાવનગર અને ભરુચમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ભાવનગરમાં 27 ડિસેમ્બરે 1 કેસ આવ્યો હતો, જે 2 જાન્યુઆરીએ 10 કેસ થઈ ગયા. આમ, 6 દિવસમાં 10 ગણા કેસોનો વધારો થયો. આવી જ રીતે ભરૂચમાં પણ 27 ડિસેમ્બરે 2 કેસ હતા, જે 2 જાન્યુઆરીએ 9 થઈ ગયા. આમ, અહીં પણ 4 ગણા કેસો વધ્યા છે. એક બાજુ, રાજ્યમાં તથા અન્ય જિલ્લાઓમાં કેસોનો વધારો થઈ રહ્યો છે, ત્યારે 4 જિલ્લામાં 21મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ડાંગ, બોટાદ, છોટાઉદેપુર તથા પાટણમાં કોરોનાના કેસ નથી આવ્યા, જે એક સારી બાબત કહી શકાય, પરંતુ અહીં પણ જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ નહીં કરે તો આ જિલ્લાઓમાં પણ આગામી સમયમાં કેસો આવી શકે છે, આથી તકેદારીના ભાગ રૂપે લોકોએ પોતાની જવાબદારી સમજીને ચુસ્તપણે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ.