Site icon Revoi.in

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. તમે તમારા જિલ્લાઓમાં જે કામગીરી કરી હોય તે મને લેખિતમાં મોકલો, અમે તેને અન્ય જિલ્લાઓમાં પણ લાગુ કરીશું. દરેક જિલ્લાના પોતાના આગવા પડકારો છે, જો તમારો જિલ્લો જીતે છે તો દેશ જીતે છે. દરેક ગામમાં એ મેસેજ પહોંચવો જોઈએ કે તેઓ પોતાના ગામને કોરોનામુક્ત રાખશે.’

કોરોના સામેની આ લડાઈમાં દરેક વ્યક્તિ એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તમામ ડીએમ આ યુદ્ધના ફીલ્ડ કમાન્ડર છે. લોકોને સાચી અને ચોક્કસ માહિતી પહોંચાડવી જોઈએ જેથી કઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે અને ક્યાં કેટલા બેડ ખાલી છે તે ધ્યાનમાં રહે. તેમજ ફ્રન્ટલાઈ વર્કર્સને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડમાંથી દરેક જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લાગશે જે માટે પહેલેથી પૂરી તૈયારીઓ કરવા પણ કહ્યું હતું. તેમજ વેક્સિન સાથે સંકળાયેલા તમામ ભ્રમ દૂર કરવા તાકીદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થઈ હતી. તેમજ ઓક્સિજનની અછત ઉભી થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જેથી સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ઓક્સિજનનો જથ્થો પુરો પાડવાની કવાયત તેજ કરી હતી.