Site icon Revoi.in

સુરતમાં કોરોનાનો કહેરઃ મૃતકોની અંતિમવિધી માટે પણ 8થી 10 કલાકનું વેટીંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા પણ કોરોના પીડિત દર્દીઓની યોગ્ય સારવાર માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. તેમજ કોરોના મહામારીની આ લહેરમાં મૃત્યુઆંક પણ વધ્યો છે. સુરતમાં કોરોનામાં મૃત્યુઆંક વધતા સ્મશાનગૃહોમાં અંતિમવિધી માટે વેટીંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મૃતકના પરિવારજનોને અંતિમ વિધી માટે આઠથી દસ કલાક જેટલી રાહ જોવી પડતી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના સ્મશાન ગૃહોમાં અંતિમ વિધી માટે મૃતકના પરિવારજનોને 2 કલાક જેટલી પહેલા રાહ જોવી પડતી હતી. જો કે, કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધતા હવે અંતિમવિધી માટે પરિવારજનોએ 8થી 10 કલાકની રાહ જોવી પડતી હોવાનું જાણવા મળે છે.   સુરતના વિવિધ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાબી યાદીને જોતા, સુરતની નજીકના બારડોલીના સ્મશાન ગૃહમાં કોવિડના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી અપાઈ છે. કોરોનાથી મૃત્યુ પામેલા છ દર્દીઓના અગ્નિ સંસ્કાર બારડોલીના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના જાણીતા અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં 70થી 80, ઉમરા સ્મશાનગૃહમાં 30થી 40 અને જહાગીરપુરા સ્મશાનગૃહમાં 20થી 30 જેટલા મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે લવાયા છે. સુરતના કેટલાક તબીબોનું માનવુ છે કે, કેટલાક દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તબીબોની સલાહ કે સારવાર લીધા વિના ઘરે પોતાની રીતે સારવાર કરતા હોવાથી મૃત્યુદર વધ્યો છે.